હિન્દ ન્યુઝ, ગાંધીનગર
જિલ્લામાં સ્થાનિક ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણ જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
હુકમ મુજબ ગાંધીનગર જિલ્લાના ચૂંટણી લાગુ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં જાહેરનામાની તારીખથી તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી કોઈપણ વ્યક્તિ જાહેરમાં કોઈપણ પ્રકારના હથિયાર અથવા દારૂગોળો સાથે રાખી શકશે નહીં અથવા તેની હેરાફેરી કરી શકશે નહીં.
આ ઉપરાંત, હથિયાર પરવાનેદારોને પોતાના હથિયાર અને દારૂગોળો સંબંધિત પોલીસ સ્ટેશન અથવા અધિકૃત આર્મ્સ ડીલર પાસે સુરક્ષિત રીતે જમા કરાવવો ફરજિયાત છે. આ હથિયારો શસ્ત્ર નિયમો-૨૦૧૬ મુજબ સુરક્ષિત રાખવામાં આવશે અને યોગ્ય પહોંચ આપવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, જો કોઈ ગુનામાં સંડોવણી ન હોય તો, હથિયારો પરત આપવામાં આવશે.
આ હુકમમાંથી નીચેની વ્યક્તિઓ બાકાત રેહશે
રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો, મુખ્ય ધાર્મિક સ્થળો, રાઈફલ ક્લબ તથા તેના અધિકૃત સભ્યો, ઔદ્યોગિક એકમો અને જાહેર સાહસોના પરવાનાધારકો (ખાનગી સિક્યોરિટી સિવાય)ફરજ પરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ,જમા મુક્તિ પરવાનગી પ્રાપ્ત કરેલ હથિયાર પરવાનેદારો.
ઉપરોક્ત હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘનમાં સહાય કરનાર સામે શસ્ત્ર અધિનિયમ, ૧૯૫૯ની કલમ-૨૫ તેમજ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નાગરિકોને આ હુકમનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે જેથી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે.
