હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લામાં ‘સ્વીપ’ (SVEEP) કાર્યક્રમ હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લા નોડલ અધિકારી (SVEEP) તથા જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.પરમારની સીધી દેખરેખ અંદર જિલ્લાના તમામ તાલુકાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે.
જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી અને મતદાન જાગૃતિ રેલીઓ કાઢવામાં આવી હતી, જેમાં ‘મતદાન આપણો પવિત્ર અધિકાર છે’ જેવા સંદેશ સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
શિક્ષણ વિભાગના આ સઘન પ્રયાસોનો મુખ્ય હેતુ આગામી ચૂંટણીમાં કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સાહપૂર્વક લોકશાહીના આ મહાપર્વમાં જોડાય તે સુનિશ્ચિત કરવાનો છે.
