હિન્દ ન્યુઝ, ભાવનગર
ભારત દેશમાં હરિયાળી ક્રાંતિ થવા પાછળ કૃષિક્ષેત્રની અનેક નવીનતમ શોધો અને આધુનિક ટેક્નોલોજીનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. પરંતુ આજે રાસાયણિક ખાતરનો અસંતુલિત વપરાશ તથા કુદરતી ખાતરના ઓછા ઉપયોગને લીધે જમીનનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. રાસાયણિક ખાતરનો અંધાધૂંધ ઉપયોગ થવાથી જમીનના સ્વાસ્થ્ય, પર્યાવરણ તથા જીવસૃષ્ટિ પર ખુબ ખરાબ અસર પડી છે. જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે જમીનમાં યોગ્ય સમયે હ્યુમસની ખામી પુરી કરી જૈવિક પદાર્થ બનવો જરૂરી છે. જેથી નાઈટ્રોજનની પૂર્તિ થઈ શકે અને જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવોનો વિકાસ થાય.
જમીનમાં ભેજની પૂર્તિ માત્રને માત્ર કુદરતી ખાતર દ્વારા જ કરી શકાય છે, પરંતુ કુદરતી ખાતર જેવા કે, છાણીયું ખાતર, બાયો ફર્ટીલાઈઝર તથા કમ્પોસ્ટ આપણી ખેતીની જરૂરિયાત પુરી કરવા માટે પૂરતા જથ્થામાં ઉપલબ્ધ નથી તથા તેની કાર્યક્ષમતા પણ ખુબ ઓછી છે. તેને પહોંચી વળવા લીલો પડવાશ એક ઉત્તમ વિકલ્પ છે. લીલો પડવાશ એ કૃષિ માટે પોષક તત્વો તથા જૈવિક પદાર્થનો ઉમદાસ્ત્રોત છે તથા પર્યાવરણ માટે સુરક્ષિત અને ઓછો ખર્ચાળ વિકલ્પ છે.
લીલા પડવાશની કાર્ય પ્રણાલી
જમીનની ફળદ્રુપતા તથા ઉત્પાદકતા વધારવા માટે અવિઘટીત અથવા અર્ધવિઘટીત લીલાછોડને હળ દ્વારા જમીનમાં દબાવવા તથા પલટવાની ક્રિયાને લીલો પડવાશ કહેવામાં આવે છે. લીલો પડવાશ જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારે છે તથા કોહવાયેલા છોડના અવશેષો જમીનમાં હ્યુમસ, જૈવિક પદાર્થ ઉમેરે છે. જેનાથી જમીનના બંધારણ, ભેજ ધારણ ક્ષમતા તેમજ સૂક્ષ્મ જીવોની સંખ્યામાં સુધારો થાય છે. લીલો પડવાશ જમીનના પ્રકાર તથા આબોહવા અનુસાર કરવામાં આવે છે. સામાન્ય રીતે કઠોળ વર્ગના પાક લીલા પડવાશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જે સામાન્ય રીતે ૮-૨૫ ટન પ્રતિ હેક્ટર લીલો પદાર્થ ઉત્પન્ન કરે છે. અને જમીનમાં દબાવ્યા પછી અનુગામી પાકને ૪૫-૬૫ કિ.લો. પ્રતિ હેક્ટર નાઈટ્રોજન ઉપલબ્ધ કરાવે છે.
લીલા પડવાશ માટે પાકની પસંદગી
ગુણવત્તા યુક્ત લીલો પડવાશ બનાવવા માટે નીચેના ગુણ ધરાવતા પાકની પસંદગી કરવી જોઈએ.
ઊંડા મૂળ વાળા પાક પસંદ કરવા જોઈએ જેથી જમીનમાં ઊંડે રહેલા પોષક તત્વો ઉપર આવે અને પોષક તત્વોનું ચક્ર જળવાઈ રહે.
પાણી તથા પોષક તત્વોની ઓછી જરૂરિયાત
ઝડપી વૃદ્ધિ તથા અધિક માત્રામાં લીલો પદાર્થ ઉત્પન્ન કરવાની ક્ષમતા.
વાતાવરણમાં રહેલ નાઈટ્રોજનનું જમીનમાં સ્થાપન કરવાની ક્ષમતા.
વાનસ્પતિક પદાર્થમાં રેશાનું ઓછું પ્રમાણ જેથી ઝડપથી કોહવાઈ શકે ગુજરાતમાં સામાન્ય રીતે શણ, ગવાર તથા સોળાનો લીલા પાડવાશના પાક તરીકે ઉપયોગ થાય છે. ક્ષારીય જમીન તથા પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન માટે લીલો પડવાશ ખુબ સારું પરિણામ આપે છે.
લીલા પડવાશ માટે મહત્વપૂર્ણ બાબતો
લીલા પડવાશનો મહત્તમ લાભ લેવા માટે પડવાશ કરતી વખતે નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ
૧.યોગ્ય પાકની પસંદગી
હંમેશા જમીન તથા વાતાવરણને અનુકૂળ પાક જ લીલા પડવાશ તરીકે ઉપયોગમાં લેવો જોઈએ. સામાન્ય રીતે ૧૫ કિ.ગ્રા. બીજ ૧ હેક્ટરની વાવણી માટે પૂરતું છે. કઠોળ વર્ગના પડવાશમાં રાઈઝોબિયમ કલચરના ઉપયોગથી જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપન વધારી શકાય છે.
૨. વાવણી સમય :
અનુગામી પાકની વાવણીના સમયને ધ્યાનમાં રાખીને પડવાશનું વાવોતર કરવું જોઈએ જેથી પડવાશને કોહવાવા માટે પૂરતો સમય મળી રહે. સામાન્ય રીતે મે, જૂનમાં વાવણી કરી જુલાઈમાં ખેડ કરી પડવાશને જમીનમાં દબાવવામાં આવે છે.
જમીનમાં દબાવેલા છોડને કોહવાવા માટે પૂરતો સમય મળવો જરૂરી છે અનુકૂળ પરિસ્થિતિમાં આ સમયગાળો ૧૫-૨૨ દિવસનો છે.
જમીનનું સંપૂર્ણ સ્વાસ્થ્ય વધારવા વાતાવરણનું પ્રદૂષણ ઘટાડવા માટે લીલો પડવાશ ઉત્તમ વિકલ્પ છે. લીલા પાડવાશને રાસાયણિક ખાતરના પૂરક તરીકે વાપરી શકાય જે જમીનની ફળદ્રુપતાની સાથે ભૌતિક બંધારણ અને જૈવિક ગુણવત્તા પણ સુધારે છે. આમ લીલો પડવાશ એ કૃષિ ક્ષેત્રના ટકાઉ વિકાસ માટેની ઓછી ખર્ચાળ પદ્ધતિ છે.
