ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન

હિન્દ ન્યુઝ, વડોદરા

   વડોદરા જિલ્લામાં ‘જન ભાગીદારી અભિયાન-સૌથી દૂર, સૌથી પહેલા’ અંતર્ગત છેવાડાના આદિજાતિ વિસ્તારોમાં ૩૯ સેવા શિબિરો દ્વારા ૧૭૯૪ થી વધુ નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓનો લાભ મળ્યો.

ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘જન ભાગીદારી અભિયાન – સૌથી દૂર, સૌથી પહેલા’ અંતર્ગત તા. ૧૮ મે થી ૨૫ મે ૨૦૨૬ દરમિયાન આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં વ્યાપક જનસંપર્ક અને સેવા સેતુ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાનો અને સર્વસમાવેશક વિકાસને વેગ આપવાનો રહ્યો છે.

જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આયોજિત કુલ ૩૯ શિબિરોમાં આશરે ૧૭૯૪ જેટલા આદિજાતિ લાભાર્થીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ શિબિરોમાં મુખ્યત્વે વસાવા, તડવી, ભીલ, તવિયાડ, ભીલાલા અને રાઠોડિયા જેવા આદિજાતિ સમુદાયના લોકોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.

આ શિબિરો દરમિયાન વિવિધ વિભાગોના સંકલનથી નાગરિકોને પાયાની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ૩૭૭ નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ, ૩૦૯ વનબંધુઓને આયુષ્માન ભારત કાર્ડ, ૧૬૦ વ્યક્તિઓના સિકલ સેલ ટેસ્ટ અને ૧૬ વ્યક્તિઓનું ટીબી સ્ક્રીનિંગ, ૨૦૨ લાભાર્થીઓને પી.એમ. કિસાન સન્માન નિધિ અને ૫૩ પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ ઉપરાંત ૧૫૦ રેશન કાર્ડ સેવાઓ, ૩૪ લોકોને જાતિના દાખલા તથા ૩૦ પેન્શન યોજનાના ફોર્મ્સની પ્રક્રિયા પૂર્ણ કરીને વિવિધ કલ્યાણકારી સેવાઓનું સ્થળ પર જ અમલીકરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, કેમ્પ સ્થળ પર જ નિઃશુલ્ક તબીબી સહાય અને દવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.

તાલુકાવાર કામગીરીની વિગતો પર નજર કરીએ તો, આ અભિયાન અંતર્ગત ડભોઈ તાલુકામાં સૌથી વધુ ૧૯ કેમ્પ યોજાયા હતા, જેમાં ૫૭૭ લોકોએ ભાગ લીધો હતો. તે ઉપરાંત કરજણ અને શિનોર તાલુકામાં ૭-૭ કેમ્પ, વાઘોડિયામાં ૨, તથા ડેસર, પાદરા, સાવલી અને વડોદરા (શહેર અને ગ્રામ્ય) માં ૧-૧ કેમ્પ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી.

વહીવટી તંત્ર દ્વારા આ અભિયાનને સફળ બનાવવા માટે વિકેન્દ્રિત અને લોકાભિમુખ અભિગમ અપનાવવામાં આવ્યો હતો. આઈ.ઈ.સી. (માહિતી, શિક્ષણ અને સંચાર) પ્રવૃત્તિઓ અંતર્ગત ચાર વોલ પેઇન્ટિંગ અને ૨૩ હોર્ડિંગ્સ/પોસ્ટર્સ દ્વારા આદિજાતિ સમુદાયમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ટેકનોલોજીના માધ્યમથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અભિયાનના ફોટા અને વીડિયો શેર કરીને વધુમાં વધુ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટર તંત્ર અને આદિજાતિ વિકાસ કચેરીના સીધા નિરીક્ષણ હેઠળ વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય, મહેસૂલ, પંચાયત અને બેંકિંગ ક્ષેત્રના અધિકારીઓના સંકલનથી આ શિબિરોનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું. સ્થાનિક આદિજાતિ અગ્રણીઓ અને સ્વયંસેવકોએ પણ આ કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ અભિયાન દરમિયાન શિબિર સ્થળે જ ‘જન સુનાવણી’ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા, જેમાં આદિજાતિ લાભાર્થીઓના દસ્તાવેજો અને પેન્શન યોજનાઓ જેવી સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવા અધિકારીઓ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા હતા.

વડોદરા જિલ્લામાં સંપન્ન થયેલું આ જન ભાગીદારી અભિયાન સરકારી સેવાઓને આદિજાતિ પરિવારોના ઉંબરે લાવવામાં નિમિત્ત બન્યું છે. અંતરિયાળ વિસ્તારોમાં ભૌગોલિક પડકારો અને દસ્તાવેજી ઉણપો હોવા છતાં, વહીવટી તંત્રની સમર્પિત કામગીરીને કારણે આદિજાતિ સમુદાયનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે. આગામી સમયમાં પણ પેન્ડિંગ અરજીઓના નિકાલ અને આરોગ્ય સંતૃપ્તીકરણ માટે સતત મોનિટરિંગ કરવાની જિલ્લા વહીવટી તંત્રએ ખાતરી આપી છે. 

 

Related posts

Leave a Comment