હિન્દ ન્યુઝ, જામનગર
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા તારીખ 2 ઓક્ટોબરથી તારીખ 8 ઓક્ટોબર 2024 સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. તે મુજબ નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી જામનગર દ્વારા પણ નશાબંધી સપ્તાહ 2024 ના ભાગરૂપે નશાબંધીના પ્રચાર પ્રસાર માટે વિવિધ કાર્યક્રમો ઘડી કાઢેલ છે.જેમાં જિલ્લાના વિવિધ સ્થળોએ વિવિધ થીમ સાથે સાઇકલ રેલી, વકતૃત્વ સ્પર્ધા, વ્યસનમુક્તિ સેમિનાર, વ્યસન મુક્તિ અંગે નાટક સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.
કાર્યક્રમની રૂપરેખા અનુસાર તા.2 ઓક્ટોબરના રોજ સવારે 8.30 કલાકે ટાઉનહોલ ખાતેથી સાયકલ રેલી, સાંજે 6.00 કલાકે લાલપુર ખાતે વકતૃત્વ સ્પર્ધા અને વિવિધ હરીફાઈ, તા.3 ઓક્ટોબરના રોજ સાંજે 6.00 કલાકે શંકર ટેકરી ખાતે વ્યસનમુક્તિ સેમિનાર, તા.4 ઓક્ટોબરના રોજ બપોરે 3 કલાકે કાલાવડ ખાતે વ્યસનમુક્તિ વર્કશોપ તથા સ્પર્ધા તેમજ સાંજે 5:00 કલાકે મોદી સ્કૂલ જામનગર ખાતે રેડિયો કલાકાર દ્વારા વ્યસન મુક્તિનો સંદેશ આપતો ડાયરો, તારીખ 5 ઓક્ટોબરના રોજ બપોરે ત્રણ કલાકે હાપા ખાતે વકૃત્વ સ્પર્ધા અને વિવિધ હરીફાઈ જ્યારે સાંજે 5:00 કલાકે જાખર હાઈસ્કૂલ લાલપુર ખાતે વ્યસન મુક્તિનો સંદેશ આપતો ડાયરો, તા. 6 ઓક્ટોબરના રોજ મોરકંડા હાઇસ્કુલ જામનગર ખાતે ડાયરો તેમજ સાંજે 5:00 કલાકે જામજોધપુર તાલુકાના બાલવા ખાતે વ્યસન મુક્તિ અંગે નાટક, તા.07 ઓક્ટોબરના રોજ ભણગોર ખાતે વ્યસન મુક્તિ અંગે નાટક તેમજ તારીખ 8 ઓક્ટોબરના રોજ સવારે 10:00 કલાકે એસટી ડેપો જામનગર ખાતે નશાબંધી પ્રદર્શન, વ્યસનમુક્તિ સાહિત્ય વહેચણી સહિતના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.