હિન્દ ન્યુઝ, જામનગર
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જવાહરલાલ નેહરુ હોકી અંડર ૧૭ બહેનો માટેની રાજ્યકક્ષાની સ્પર્ધાનું તા.૨૧ થી તા.૨૩/૦૯/૨૦૨૪ દરમ્યાન રાજકોટ જિલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જે સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલ DLSSની અંડર ૧૭ બહેનોની ટીમે વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે. સ્પર્ધાની ફાઈનલ મેચમાં જામનગર ગ્રામ્યની ટીમે દેવગઢ બારીયાની ટીમને ૨-૧ના સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી જામનગર જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે.
જે અંતર્ગત જામનગર જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારી રાવલીયાએ વિજેતા ટીમને શુભેચ્છાઓ પાઠવી છે સાથે સાથે જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલના સંચાલકો દ્વારા પણ વિજેતા ટીમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ હતું. ગુજરાત સરકારની જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત હોકી રમતની ઉત્કૃષ્ટ તાલીમ મેળવી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલ DLSS ની ટીમ રાજ્યકક્ષાએ વિજેતા થયેલ છે.
વિજેતા થયેલ ટીમના ખેલાડીઓ આગામી માસમાં રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા દિલ્હી ખાતે રમવા જશે અને રાષ્ટ્રકક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.