હિન્દ ન્યુઝ, સુરત
રાઈના પાકમાં રોગ-જીવાત નિયંત્રણ માટે સરદાર કૃષિનગર દાંતીવાડા અને આણંદ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેમાં રાઈના પાકમાં તળછારો રોગને અટકાવવા માટે બે થી ત્રણ વર્ષ માટે પાકની ફેરબદલી કરવી જોઈએ. સાથે જ રોગિષ્ટ અવશેષોનો નાશ કરવો, રોગમુક્ત પ્રમાણિત બિયારણની પસંદગી કરવી જોઈએ. જીએમ ૭(બનાસ અનમોલ), ગુજરાત આણંદ રાઇ -૮ (આણંદ હેમા) જેવી ભૂકી છારો રોગપ્રતિકારક નવીન જાતો વાવેતર કરવાની ભલામણ કરી છે.
બિયારણને વાવતા પહેલાં ફૂગનાશક દવા થાયરમ અથવા કેપ્ટાન (૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) અથવા એપ્રોન (મેટાલેક્ષીલ) ૩૫ એસ ડી નો ૬ ગ્રામ/ કિ.ગ્રા. બીજ દીઠ પટ આપવો. ભલામણ મુજબ નાઇટ્રોજનયુક્ત ખાતર અને પિયત આપવાનો આગ્રહ રાખવા જોઈએ. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા જણાવાયું છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) તેમજ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક સાધવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.