હિન્દ ન્યુઝ, આણંદ
જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ તાજેતરમાં સોજીત્રા તાલુકાના આઈસીડીએસ ઘટક હસ્તકના વિરોલ ગામની સમગ્ર ગામ આંગણવાડી કેન્દ્ર અને વૃંદાવન આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લીધી હતી.
જિલ્લા વિકાસ અધિકારીની આ મુલાકાત દરમિયાન આ કેન્દ્રો ખાતે આંગણવાડી સમયસર શરૂ કરવામાં આવી ન હતી.
આમ, આંગણવાડી કાર્યકર અને હેલ્પરની પોતાની કામગીરી પ્રત્યેની અનિયમિતતા, આંગણવાડીની આસપાસ સ્વચ્છતા નો અભાવ, ફરજ પર દાખવેલ બેદરકારી જેવી ક્ષતિઓને કારણે આંગણવાડી ખાતે આવતાં નાના ભૂલકાઓના ભવિષ્ય તેમજ આરોગ્યને નુકશાન ન થાય તે હેતુસર બંને કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર અને હેલ્પરની માનદ સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત ઋણજ સેજાના ઇન્ચાર્જ મુખ્ય સેવિકાને તેમની ફરજ પ્રત્યેની ગંભીર પ્રકારની નિષ્કાળજી અને બેદારકારી બદલ જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના દ્વારા ફરજ મોકૂફી હેઠળ ઉતારવામાં આવ્યા છે.