“મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

“મારી માટી, મારો દેશ” – માટીને નમન, વીરોને વંદન

હિન્દ ન્યુઝ, બોટાદ

માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન દેશભરમાં યોજાનારા “મારી માટી, મારો દેશ” અભિયાનમાં સામેલ થઈ નાગરિકોને આ પર્વને ઉજવવા જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયે અનુરોધ કર્યો હતો. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કલેક્ટરશ્રી એ જણાવ્યું હતું કે, “દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત થાય અને આઝાદીના જંગમાં શહિદી વહોરનાર આપણાં વીર શહીદોના બલિદાનને યાદ કરવાના હેતુ સાથે દેશમાં “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ યોજાનાર છે.”

કલેક્ટરએ આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય તથા તાલુકા કક્ષાએ યોજાનાર શિલાફલકમ, પંચ પ્રણ પ્રતિજ્ઞા સાથે સેલ્ફી, વસુધા વંદન, વીરોને વંદન તથા ધ્વજ વંદન સાથે રાષ્ટ્રગાન જેવા પંચવિધ કાર્યક્રમોની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, “આ કાર્યક્રમને સફળ બનાવવા અને લોકોની સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે બોટાદ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે, ત્યારે માતૃભૂમિ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરવા મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.”

કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, “હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ પંચાયત વિભાગ, નગરપાલિકા અને મહાનગરપાલિકા અંતર્ગત દરેક ઘરો, જાહેર સ્થળો, કચેરીઓ પર તિરંગો લહેરાવવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવશે. ‘વીરોને વંદન’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ યોજાનાર દરેક કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ સેનાનીઓના પરિવારો, સંરક્ષણ કર્મચારીઓ અથવા તેમના પરિવારને આમંત્રિત કરીને તેમનું સન્માન કરવામાં આવશે.“ કુલ પાંચ કાર્યક્રમોના સમન્વય સાથે શહીદ વીરોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ અભિયાનમાં શહેર-જિલ્લાના દરેક લોકોએ સહભાગી બની વીરો, સ્વંત્રતતા સેનાનીઓને સાચી શ્રદ્ધાંજલિ આપવા બોટાદ જિલ્લા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.

આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા, અધિક નિવાસી કલેક્ટર મુકેશભાઈ પરમાર સહિત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિ ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment