ગીર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઉત્તમ કામગીરી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    રાજ્યના નાગરિકોના આરોગ્યના હિત માટે ઈમરજન્સી તાકીદની સ્થિતમાં જરૂરિયાતમંદ ગંભીર બીમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે સરકાર દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પરિવહન ૧૦૮ની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવા દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં લાખો લોકોના જીવ બચાવવામાં આવ્યાં છે.

    ગીર સોમનાથ જિલ્લામાં પણ આપાતકાલીન સ્થિતિમાં કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે ૧૦૮ સેવા હરહંમેશ કાર્યરત રહે છે. આવા જ એક કિસ્સામાં તાલાલા ૧૦૮ દ્વારા કટોકટીની પરિસ્થિતીમાં સ્થળ પર જ એક મહિલાની નોર્મલ પ્રસુતિ કરાવીને માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો.  

    તાલાલા તાલુકાના જાવંત્રી ગામે એક સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુઃખાવો શરૂ થતા તાલાલા ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. જોકે, મહિલાને દુઃખાવો વધી ગયો હો અને વધુમાં લોહી ઘટતું જતું હતું અને બાળકની નાળ ગળે વિંટળાયેલી હતી. આ સ્થિતિમાં ડિલિવરી અતિ જોખમી ગણાય છે. આવી સ્થિતિમાં એમ્બ્યુલન્સ પર જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી.

    ફરજ પરના હાજર કર્મચારીઓ ઈએમટી યોગેશભાઇ વાઝા અને પાયલોટ ભરત ભાઈ ચાંદેરા તરત જ સ્થળે પહોંચ્યાં હતાં. ૧૦૮ના ઈ.એમ.ટી.ની આવડત, સૂઝબૂઝ અને ૧૦૮ હેડ ઓફિસના ડૉક્ટરની સલાહ મુજબ કાર્ય કરી માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો અને બન્નેને સલામત રીતે સરકારી હોસ્પિટલ તાલાલા ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

     આમ, ડિલિવરી હેમખેમ પાર પડતાં સગા-સંબંધીઓ દ્વારા ૧૦૮ ના તમામ કર્મચારીઓનો આભાર માન્યો હતો. ઉત્તમ કામગીરી બદલ ૧૦૮ સેવા સંબંધિત જિલ્લાના શીર્ષ અધિકારી મહેન્દ્ર અને વિશ્રુત જોશીએ પણ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં.

Related posts

Leave a Comment