કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક મળી

હિન્દ ન્યુઝ, જામનગર 

    કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની સળંગ ૫૫ મી બેઠક મળી હતી.જેમા જિલ્લાના પાણીને લગતા વિવિધ આયોજનોને સૈદ્ધાંતિક મંજુરી અપાઇ હતી.

બેઠકમા રિજવીનેશન પ્રોગ્રામ ૨૦૨૪-૨૫ અંતર્ગત જામનગર જિલ્લાના સતાપર, ખડ-ખંભાળીયા, ધુડશીયા અને આણંદપર ગામો માટે નવીન બોર, કુવા અને તેના પર જરૂરી એસેસરીઝ સાથે ફાળવવાની કામગીરીને સૈદ્ધાંતિક મંજુરી અપાઈ હતી.મોટી લાખાણી ગામે ભરવાડવાસ માટે પાણીનો ટાંકો, પાઇપલાઇન પંપીંગ મશીનરી, વિજકરણ અને સંલગ્ન કામગીરી હાથ ધરવા તથા ગ્રામ્ય કક્ષાની આંતરીક પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણીની કામગીરી પ્રાથમીક કૃષિ ધિરાણ મંડળી અને સેલ્ફ હેલ્પ ગ્રુપ મારફત હાથ ધરવા અંગે ચર્ચા કરાઇ હતી.સાથે સાથે ભારત સરકારના “નલ જલ મિત્ર” કાર્યક્રમના અમલીકરણ અને જામનગર જિલ્લામાં પાણીવેરા વસુલાત કરવા ગામોની સમીક્ષા કરાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીના યુનિટ મેનેજર ભાવીકાબા જાડેજા સહિત સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment