સોજીત્રામાં ફેલાયેલા ઝાડા-ઉલ્ટીના રોગચાળા અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ

    સોજીત્રા શહેરી વિસ્તારમાં ઝાડા ઊલ્ટીના કેસો જોવા મળતાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ત્વરિત ૧૬ જેટલી ટીમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી છે.

આણંદ જિલ્લાના સોજીત્રા શહેર અને આસપાસના વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો જોવા મળતાં જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ત્વરિત પ્રયાસો હાથ ધરી કામગીરી કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગની કુલ ૧૬ ટીમો દ્વારા સોજિત્રામાં થયેલ ઝાડા ઉલ્ટીના સંદર્ભે સર્વેલેન્સ, કલોરીનેશન, લીકેજ શોધવા, આરોગ્ય શિક્ષણ, સારવાર, કલોરીન-ORS વિતરણ જેવી અસરકારક કામગીરી કરવામા આવેલ છે. જેનાથી સ્થિતિને નિયંત્રીત કરાતાં સોજિત્રામાં શરૂ થયેલા ઝાડા-ઉલ્ટીની વાવળના ત્રીજા દિવસે નવા કેસોમાં ઘટાડો થયો છે.

સોજીત્રાના અસરગ્રસ્ત વિસ્તારના ઘરોમાં ૧૫૦ ક્લોરીનેશનના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ ૩૪૦ કલોરીન ટેબલેટ અને ૧૫૬ ઓઆરએસ (ORS) નું વિતરણ કરી ઘરે-ઘરે પહોચાડવામાં આવી છે.

ઝાડાના ચાર સેમ્પલ તથા પાણીના ત્રણ સેમ્પલ પેટલાદ સિવિલ ખાતે તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ગરમીમાં તાજો અને ઢાંકેલો ખોરાક, ગરમ કરેલું કે કલોરીન વાળું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

આણંદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. દિપક પરમારની દેખરેખ હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગની અને તાલુકા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવતા સોજીત્રા શહેર અને આજુબાજુ વિસ્તારમાં અત્યારે ઝાડા ઉલટીના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળ્યો છે અને પરિસ્થિતી નિયંત્રણ હેઠળ હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.


Advt.

Related posts

Leave a Comment