હિન્દ ન્યુઝ, આણંદ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગતનું મતદાન આણંદ જિલ્લામાં ગતરોજ પૂર્ણ થયેલ છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે.
લોકસભાની આ ચૂંટણી અન્વયે ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારી – કર્મચારીઓ તથા મતદાનના દિવસે મત આપવા આવતા મતદારોને હીટ વેવ – ગરમીના કારણે કોઈ આરોગ્યલક્ષી તકલીફ ના પડે તે માટે જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મતદાનના દિવસે હીટ વેવને ધ્યાને લઈ જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે ઓ.આર.એસ. સહિતની મેડિકલ કીટ મૂકવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમારના જણાવ્યા અનુસાર સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગના ૪,૦૦૦ જેટલા અધિકારી-કર્મચારીઓ ફરજ ઉપર હતા. આ ઉપરાંત ૧૦૮ ની આર.બી.એસ.કે. ની ૩૬ ટીમ અને આરોગ્ય વિભાગની ૧૧૦ ટીમ મળીને કુલ ૧૬૬ ટીમો ચૂંટણી દરમિયાન ખડી પગે રહીને ફરજ બજાવી હતી અને ચૂંટણીમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓને સેવાઓ પૂરી પાડી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ દ્વારા તમામ ડિસ્પેચિંગ સેન્ટર, મતદાન મથક અને રીસીવિંગ સેન્ટર ખાતે આરોગ્ય વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી હતી.
જિલ્લા આરોગ્ય વિભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પેટલાદ અને આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર અને તેમની ટીમ ફરજ ઉપર હાજર રહીને મતદાનના દિવસે કોઈપણ ચૂંટણીમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓની સાથેમતદારોને પણ આરોગ્યલક્ષી તકલીફ ના પડે તે માટે ખડે પગે રહ્યા હતા.
મતદાન દરમિયાન ડિસ્પેચિંગ સેન્ટર ખાતે બોરસદમાં ૧, પેટલાદમાં ૧ અને ઉમરેઠ ખાતે ૧ કર્મચારીને આરોગ્યલક્ષી તકલીફ થતા તેમને તાત્કાલિક આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સારવાર આપી હતી. આ ઉપરાંત મતદાન મથક ખાતે આણંદમાં ૫૬, આંકલાવમાં ૬, બોરસદમાં ૩૯, પેટલાદમાં ૨૫, સોજીત્રામાં ૧, ખંભાતમાં ૧, તારાપુરમાં ૧૭ અને ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં ૧૧ મળી કુલ ૧૫૬ અધિકારી – કર્મચારીઓને મતદાન બુથ ઉપર તપાસીને સારવાર આપવામાં આવી હતી, જ્યારે રીસીવિંગ સેન્ટર ખાતે આણંદમાં ૪૨, આંકલાવમાં ૧, બોરસદમાં ૧૦, પેટલાદમાં ૫ (પાંચ) સોજીત્રામાં ૧, ખંભાતમાં ૧૨ અને ઉમરેઠમાં ૩૮ એમ કુલ ૧૦૯ અધિકારી – કર્મચારીઓને સારવાર આપવામાં આવી હતી.
આમ સમગ્ર આણંદ જિલ્લામાં કુલ ૨૬૮ દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જે પૈકી આણંદના ૧, બોરસદના ૧ અને સોજીત્રાના ૧ મળી કુલ ૩ કર્મચારીઓને પ્રાથમિક આરોગ્ય સેન્ટર ખાતે લઈ જઈને વિશેષ સારવારમાં આવી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.