હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
તાલાલા મામલતદાર કચેરી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, તાલાલા દ્વારા બસ સ્ટેશન ખાતે રંગોળી, ક્વિઝ કોમ્પિટિશન, સેલ્ફી પોઈન્ટ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિ ફેલાવી ‘મતદાન અવશ્ય કરો’નો સંદેશો આપવામાં આવ્યો હતો.
જિલ્લાના મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય તે હેતુથી ‘વોટ ફોર નેશન’ની થીમ અંતર્ગત સુંદર રંગોળી દ્વારા ભારતનો નકશો બનાવવામાં આવ્યો હતો. તેમજ ‘નથીંગ લાઈક વોટિંગ’ અને ‘દસ મિનિટ દેશ કે નામ’ જેવી મતદાનને લગતી વિવિધ થીમ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમને અનુલક્ષીને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજની વિદ્યાર્થીનીઓએ અનેકવિધ રંગોળીઓ બનાવી મતદાન જાગૃતિ અભિયાનને વેગ આપ્યો હતો.
આ ઉપરાંત, ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મતદાન જાગૃતિને લગતા અલગ-અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં. તદુપરાંત એક સેલ્ફી પોઇન્ટ ઉભો કરવામાં આવ્યો હતો. જ્યાં તાલાળા તાલુકાના મતદારોએ સેલ્ફી લઈ સોશિયલ મીડિયાના માધ્યમ થકી પ્રસારણ કરી ‘મતદાન અવશ્ય કરો’નો સંદેશ ફેલાવ્યો હતો.
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેશન ખાતેથી ગુંદરણ ચોક સુધી ‘વોટ ફોર નેશન’ અને ‘નથીંગ લાઈક વોટિંગ’ના વિવિધ નારાઓ સાથે રેલી યોજાઈ હતી. તેમજ સિગ્નેચર કેમ્પેઇન અંતર્ગત ‘હું અવશ્ય મતદાન કરીશ’ તેવી નેમ સાથે મતદારોએ પોતાના સ્વ-હસ્તાક્ષર કરી મતદાન કરીશ અને કરાવડાવીશની પ્રતિજ્ઞા લીધી હતી.
આ તકે મામલતદાર બિંદુબેન કુબાવત, નાયબ મામલતદાર સર્વ જે.વી.સિંધવ, ક્રિષ્નાબહેન ચૌહાણ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડેનીશ લાડાણી તથા વજુભાઈ મોવલિયા, ડો. ધર્મેશ વાવૈયા, કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.