વિશ્રામગૃહ, ડાકબંગલા, અતિથિગૃહ, સરકારી રેસ્ટ હાઉસ વગેરેનાં ઉપયોગનું નિયમન કરવા અંગે ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભારતનાંચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે.લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના અનુસંધાને ભારતના ચૂંટણી આયોગ તરફથી આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. સદરહું આચાર સંહિતામાં સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ, તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ આર. કે. મહેતાએ તેમને મળેલી સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરનામા દર્શાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ સરકારી, અર્ધસરકારી, સહકારી તમામ આરામગૃહો,ડાક બંગલાઓ, વિશ્રામગૃહો તથા જાહેર સ્થળો હોય તેવા તમામ આરામગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોએ રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પ્રતિબંધ કરવામાં આવે છે. રાજકીય પ્રવૃતિમાં રાજકીય ચર્ચા, ટેલીફોન ઉપર વાર્તાલાપ તથા મુલાકાતી સહિતની બાબતોનો સમાવેશ થશે.

વિશ્રામ ગૃહ, ડાક બંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગનો સત્તાધારી પક્ષના સભ્યો કે ઉમેદવારો એક હથ્થુ અધિકારો ભોગવશે નહી અને આવા રહેણાંકનો ઉપયોગ બીજા પક્ષોના સભ્યો કે ઉમેદવારોને પણ કરવા દેવાનો રહેશે પરંતુ કોઇપણ પક્ષ કે ઉમેદવારો આવા રહેણાંક (તેની સાથે જોડાયેલ આંગણા)નો ઉપયોગ પ્રચાર, કચેરી કે અન્ય ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહીં. સરકારી વિશ્રામગૃહ, અતિથિગૃહ વગેરેમાં રાજકીય પક્ષના સભ્યોની પ્રાસંગિક મિટીંગને પણ મંજુરી આપી શકાશે નહી

ચૂંટણી પ્રચારમાં આવેલા જે મહાનુભાવોને સરકારી વિશ્રામગૃહ/ અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી હોય મહાનુભાવોને લાવતા લઇ જતા વાહનને જ સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકશે. જો તેઓ આ માટે એક કરતા વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બે થી વધારે વાહનોને વિશ્રામગૃહ/અતિથિગૃહના કમ્પાઉન્ડમાં રાખી શકાશે નહી.

એક જ વ્યકિતને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઇ પણ મહાનુભાવોને મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ/ અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં.

જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે જે તે રાજયના કાયદાની જોગવાઇ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા આપવામાં આવેલી હોય તેમને રાજય સરકાર હસ્તકના સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ, કેન્દ્ર સરકાર અગર રાજય સરકારના જાહેર સાહસોના વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે પરંતુ ચૂંટણી કામગીરી સંભાળતા અધિકારી અગર નિરિક્ષકોને અગાઉથી આ રૂમ ફાળવવામાં આવેલ ન હોય તે શરતે જ આ પ્રકારે રહેવા માટે રૂમો ફાળવી શકાશે. જો કે રાજકીય પદાધિકારીઓ વિશ્રામગૃહ/ અતિથિગૃહમાં રહેતા હોય તે દરમિયાન કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃતિ હાથ ધરી શકશે નહીં.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

 

 

 

 

 

 

Related posts

Leave a Comment