ભાવનગર જિલ્લામાં ચૂંટણી દરમિયાન સરકારી તથા બોર્ડ/નિગમ/કોર્પોરેશનના વાહનોના દુરૂપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણી આયોગ તરફથી આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. સદરહું આચાર સંહિતામાં કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીઓ, રાજકીય/બિનરાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સબંધકર્તા બાબતો અંગે કોઇપણ જાતની મુસાફરી દરમિયાન સરકારી તથા બોર્ડ/નિગમ/કોર્પોરેશનના વાહનોનો ઉપયોગ કરવા ઉપર ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ આર. કે. મહેતાએ તેમને મળેલી સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે.

ઉક્ત જાહેરનામા જણાવ્યા મુજબ કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીઓ વગેરે ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સબંધકર્તા બાબતો અંગે કોઇપણ જાતની મુસાફરીમાં સરકારી વાહનોનો બિલકુલ ઉપયોગ કરી શકશે નહીં. આવા વાહનોમાં હેલીકોપ્ટર, એરક્રાફટ, કાર, જીપ, ઓટોમોબાઇલ બોટ વગેરેનો સમાવેશ થાય છે. સરકારી વાહનો ઉપરાંત રાજય સરકારના સાહસો, સંયુકત સાહસો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, નિગમો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ખરીદ-વેચાણ સંઘો, મહાસંઘો, સહકારી સોસાયટીઓ,જિલ્લા-તાલુકા પંચાયતો તેમજ જાહેર નાણાંનો જરા પણ હિસ્સો હોય તેવી કોઇપણ સંસ્થાઓના વાહનોનો ચૂંટણી પ્રચાર માટે બિલકુલ ઉપયોગ કરી શકાશે નહીં.

આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

 

 

Related posts

Leave a Comment