લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકાઈ છે. ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.ડી.જાડેજાના અધ્યક્ષસ્થાને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે આજે ચૂંટણીમાં થનાર ખર્ચના ભાવપત્રક અને તેના વિવિધ ખર્ચની કાર્યવિધિ અંગે વિશદ્ ચર્ચા કરી હતી. કલેક્ટરએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ઉમેદવારી ફોર્મ ભરે તે દિવસથી જ આ માટેનું અલગ ખાતું ખોલાવી તેમાંથી જ તેમના વિવિધ ખર્ચાઓ કરવા અને તેમની જાળવણી માટે વિશેષ કાળજી લેવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને લોકસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવતા ખર્ચના હિસાબો માટે ચૂંટણી પંચની સૂચના મુજબ ટેબલ-ખુરશી, માઈક્રોફોન, હોલ અને રેલી સહિતની વિવિધ ચીજ વસ્તુઓના નક્કી કરવામાં આવેલા ભાવ વિશે અવગત કરાવવામાં આવ્યાં હતાં.
તદુપરાંત, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ માટેનું વિવિધ વસ્તુઓના ભાવ નિર્ધારણ અંગેનું પત્રક તથા તે નિભાવવા માટેની જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાજકીય પક્ષોને આદર્શ આચાર સંહિતા સંબંધિત માહિતી અને ખર્ચ મર્યાદા અને ડિપોઝીટ સહિતની વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી.
આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓના સૂચનો અને રજૂઆતોને જિલ્લા ચૂંટણી અધિકારીએ સાંભળ્યા હતાં. કલેક્ટરએ જણાવ્યું હતું કે, ઉમેદવાર ચૂંટણીપંચે નક્કી કરેલ ખર્ચની મર્યાદામાં ખર્ચ કરી શકશે. ઉમેદવારોના ખર્ચની મર્યાદા અને ખર્ચ પર દેખરેખ રાખવા માટે જિલ્લાકક્ષાએ ખર્ચ ઓબ્ઝર્વર તથા ટીમની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયામાં થતા પ્રચાર-પ્રસાર બાબતે જિલ્લા કક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી પાસેથી તેનું પ્રમાણીકરણ કરાવીને જ જાહેરાત કરવાની રહેશે. તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી.
ચૂંટણી એ સૌથી મોટો લોકશાહીનો તહેવાર છે ત્યારે જિલ્લાના નાગરીકો તેમાં મોટાપાયે મતદાન કરે તે માટેની અપીલ કરતા કલેક્ટરએ જ્યારે પણ જિલ્લાના નાગરિકો મતદાન કરવા જાય ત્યારે ચૂંટણીપંચે નિર્ધારિત કરેલા ૧૪ દસ્તાવેજોમાંથી કોઈપણ એક દસ્તાવેજની નકલ સાથે રાખે તે ઈચ્છનિય છે તેમ જણાવી જ્યાં મતદાન ઓછું થાય છે તેવા વિસ્તારોમાં પણ લોકો આગળ આવી લોકશાહીના આ પર્વમાં સહભાગી થાય તે માટે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર અને અધિક નિવાસી કલેક્ટર આર.જી.આલે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને રાજકીય પક્ષોએ શું કાળજી રાખવી જોઈએ અને કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તે અંગે વિશદ્ માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં નાયબ ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, મદદનીશ ચૂંટણી અધિકારી સર્વ ચિરાગ હિરવાણીયા, વિનોદભાઈ જોષી, એન.બી.મોદી, ભૂમિકાબહેન વાટલિયા, આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા સહિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સહિત નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.