ચૂંટણી સંદર્ભે વિવિધ બેન્ક મેનેજરો સાથે જિલ્લા ચૂંટણી અધિકારીની બેઠક

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી.ડી.જાડેજાએ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી, ઈણાજ ખાતે ખાસ બેઠક યોજી હતી. આચારસંહિતાના સમયગાળા દરમિયાન બેન્ક ટ્રાન્ઝેક્શન, શંકાસ્પદ નાણાકિય વ્યવહારો પર ઝીણવટપૂર્વકની નજર રાખી જે ખાતામાં સામાન્ય લેવડદેવડ થતી હોય તેમાં અચાનક વધુ લેવડદેવડ થાય તેમજ દસ લાખ કરતાં વધુની લેવડદેવડ થાય તેવા ખાતાઓ પર વિશેષ નજર રાખવા માટે તેમણે બેન્ક મેનેજરોને તાકિદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી જાડેજાએ બેન્ક પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી બાબતે દેખરેખ રાખી ચૂંટણી વિભાગને સમયસર માહિતીગાર કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, આ કડકાઈ દરમિયાન સામાન્ય નાગરિકો તેમજ અન્ય કોઈને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

        આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડી.ડી.જાડેજાએ છેલ્લા બે માસ દરમિયાન જનધન ખાતાઓ સહિત સાયલેન્ટ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થયું ન હોય અને ચૂંટણી દરમિયાન ટ્રાન્ઝેક્શનની અસામાન્ય અને શંકાસ્પદ ઘટનાઓની માહિતીને ચૂંટણી તંત્રના ધ્યાને દોરવા સૂચનાઓ આપી હતી.

અધિક નિવાસી કલેક્ટર આર.જી.આલે જણાવ્યું હતું કે, દસ લાખથી વધુનાં નાણાંકિય વ્યવહારોની માહિતી તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં વિવિધ મતવિસ્તારમાં એક ખાતામાંથી અન્ય કેટલાંક વ્યક્તિઓનાં ખાતામાં આર.ટી.જી.એસ. દ્વારા અસામાન્ય રકમનો ફેરફાર ધ્યાનમાં આવ્યો હોય તેવી માહિતીનું લીડ બેન્ક થકી ચૂંટણી તંત્રને ધ્યાન દોરવાનું રહેશે. તેમજ નોમિનેશન ફાઈલ દાખલ કરનાર ઉમેદવાર ઉપરાંત તેમના પરિવારજનો અથવા તેના આશ્રિતના બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી ચૂંટણી તંત્રને મોકલવાની રહેશે.

જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે સોફ્ટ બેન્કિંગ દ્વારા નાણાકિય વ્યવહાર થતાં હોય છે. ત્યારે આ પ્રકારના બેન્કિંગ સોલ્યુશનો પર વિશેષ કાળજી રાખવા અનુરોધ કરીને તેના પર વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. તેમ જણાવ્યું હતું.

લીડ બેંકના અધિકારી ભરતભાઈ વાણિયાએ જિલ્લા બેન્કિંગ તંત્ર આ માટે સજ્જ છે અને કોઈપણ શંકાસ્પદ નાણાકિય વ્યવહારોની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. તેનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં કાર્યરત તમામ બેન્કોને ભરવાનું દૈનિક રિપોર્ટનું ફોર્મેટ પહોંચાડી દેવામાં આવ્યું છે અને ઈએસએમએસ લોગીન સહિતની તૈયારીઓ પૂર્ણ કરી વારંવાર ૧ લાખથી વધારેના શંકાસ્પદ વ્યવહારો સાથે જ રોકડમાં થતાં વ્યવહારો અને એક જ સાથે અનેક ખાતાઓમાં થતાં વ્યવહારો પર પણ બાજનજર રાખવામાં આવી રહી છે.

        આ બેઠકમાં નાયબ ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, મદદનીશ ચૂંટણી અધિકારી સર્વ ચિરાગ હિરવાણીયા, વિનોદભાઈ જોષી, એન.બી.મોદી, ભૂમિકાબહેન વાટલિયા, આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા સહિત નોડલ અધિકારીઓ સહિત જિલ્લાની વિવિધ બેન્કના મેનેજર અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment