લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજાએ જિલ્લાના પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકો સાથે બેઠક યોજી હતી. આ મિટિંગમાં પ્રિન્ટિંગ પ્રેસના માલિકો તેમજ સંચાલકોને ચૂંટણીલક્ષી વિવિધ કાયદાકીય જોગવાઈ અને આચારસંહિતા વિશે માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડી.ડી.જાડેજાએ ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ અંગે સૂચનાઓ અનુસાર પુસ્તિકાઓ, પોસ્ટરો વગેરેનું દેખરેખ અને નિયંત્રણ બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ જિલ્લામાં ચૂંટણી પ્રચાર-પ્રસાર દરમિયાન રાજકીય પક્ષો દ્વારા પ્રકાશિત કરવામાં આવતા પોસ્ટર, બેનર્સ, પેમ્ફલેટ સહિતના સાહિત્યના પ્રકાશનમાં તેના લખાણ સહિતની બાબતોમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
પ્રિન્ટીંગ પ્રેસના સંચાલકોએ નિભાવવાના થતા રજિસ્ટર અને નિયત નમૂનાઓ, પ્રિન્ટીંગ થયેલા સાહિત્યની નિયત નકલો, નિયત સમયમર્યાદામાં ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી શાખા, નિવાસી અધિક કલેકટરને અને આદર્શ આચાર સંહિતા અમલીકરણ નોડલ અધિકારી સહિતના સંબંધિત અધિકારીશ્રીઓને પહોંચાડવાની વ્યવસ્થા જળવાય રહે તે જોવા સુનિશ્ચિત કરવા જણાવ્યુ હતું.
અધિક નિવાસી કલેક્ટર આર.જી.આલે ચૂંટણીને લગતી જે પત્રિકાઓ તેમજ પોસ્ટરો ઉપર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ઉલ્લેખ ન હોય તેવી પત્રિકા અને પોસ્ટર છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહી. જો તેવું માલૂમ જણાશે તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૨૭-ક(૪) હેઠળ કસૂરવાર ઠરશે જેવી માહિતી ઉપરાંત પ્રિન્ટીંગ થનાર સાહિત્યના ખર્ચની માહિતી અને નિયત નમૂનામાં નિભાવવાના થતાં રજીસ્ટર્સની વિગતો આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, નાયબ ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, મદદનીશ ચૂંટણી અધિકારી સર્વ ચિરાગ હિરવાણીયા, વિનોદભાઈ જોષી, એન.બી.મોદી, ભૂમિકાબહેન વાટલિયા, આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા સહિત નોડલ અધિકારીઓ સહિત પ્રિન્ટીંગ પ્રેસના સંચાલકો-માલિકો, જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ અને પ્રિન્ટીંગ વ્યવસાય સાથે સંકળાયેલા માલિકો-સંચાલકો ઉપસ્થિત રહ્યાં હતાં.