હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
નોડલ ઓફિસર પીડબલ્યૂ ડી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (દિવ્યાંગ બાળકોની સંસ્થા) કોડિનારના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૪૦ થી વધુ દિવ્યાંગજનો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સમાજ સહાયક તનવીરભાઈ ચાવડા દ્વારા ચૂંટણી કમિશન દ્વારા આપવામાં આવતી દિવ્યાંગજનો માટેની ચૂંટણી કાર્ડ કઢાવવા, મતદાન કરવા જવાં અને મતદાન બૂથ પર મળતી વિવિધ ઉપલબ્ધ સેવાઓનો લાભ લેવા વિશેષ માહિતી આપવામાં આવી હતી અને સ્વાવલંબન એપ્લિકેશન વિશે અવગત કરાયા હતાં.
પીડબલ્યૂડી આઈકન ચંદ્રેશભાઈ ચૌહાણે લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, લોકશાહીના આ પર્વની તમામ વ્યક્તિએ ઉજવણી કરવી જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવા માટે પવિત્ર મતની ફરજ અદા કરવી જોઈએ. દિવ્યાંગજનો માટે ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા મતદાન મથક પર વિવિધ સંસ્થાઓના સહયોગથી વ્હીલચેર, બ્રેઈલ સ્ટીકર તેમજ બહેરા-મૂંગા લોકો માટે સાઈન લેંગ્વેજ સ્ટીકર તથા દરેક બૂથ પર બી.એલ.ઓ અને સહાયક ઉપસ્થિત હોય છે.
ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં જીવનદીપ સંસ્થા દ્વારા દિવ્યાંગજનોને તેમના ઘરેથી મતદાન મથક સુધી લાવવા અને લઈ જવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ સેવાઓનો લાભ લેવા પણ તેમણે અપીલ કરી હતી.
જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ડૉ.ભરતભાઈ રાઠોડ, નિકુંજભાઈ ચૂડાસમા તેમજ દિવ્યાંગજનો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.