ભાવનગર જિલ્લામાં ઘઉંની જીવાતોનું નિયંત્રણ કરવા અંગે માર્ગદર્શિકા બહાર પડાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

જિલ્લામાં ઘઉંની જીવાતોનું નિયંત્રણ કરવા અંગે માર્ગદર્શિકા બહાર પડાઇ છે. જેમાં વાવણી સમયે બીજને કીટનાશકની માવજત આપી શકાયેલ ન હોય અને જો ઘઉંનાં ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ શરૂ થતો જણાય તો તુરંત જ એક હેકટર પાકનાં વિસ્તાર માટે ફીપ્રોનીલ ૫ એસ.સી. ૧.૬ લિટર અથવા ક્લોરોપાયરીફોસ ૨૦ ઇ.સી. ૧.૫ લિટર દવા ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે મિશ્રણ કરી ઘઉંનાં ઉભા પાકમાં પુંખવી અને તરત જ પાકને હળવુ પિયત આપવું અથવા પાણીનાં ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે-તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી. ખપૈડીના નિયંત્રણ માટે ઘઉંની વાવણી બાદ શેઢા-પાળા ઉપર તેમજ ખેતરમાં ક્વિનાલફોસ ૧.૫ ટકા અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી હેકટરે ૨૫ કિ.ગ્રા. અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર હેકટરે ૨૦ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો. ગાભમારાની ઈયળનાં નિયંત્રણ માટે જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડને ઈયળ સહિત મૂળમાંથી ખેંચી લઈ તેનો નાશ કરવો. વધારે ઉપદ્રવ હોય તો ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી વાવણી પછી બે છંટકાવ આશરે ૪૫ અને ૫૫ દિવસે કરવા. લીલી ઈયળનાં નિયંત્રણ માટે ખેતર નીંદણ મુક્ત રાખવું. ઘઉંમાં ઉંબીઓ આવવાની શરૂઆત થાય ત્યારથી જ પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા રહેવું અને નાની ઈયળો દેખાય તો લીમડાની લીંબોળીની મીંજમાંથી બનાવેલ અર્ક ૫% (૫૦૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા લીંબોળીની તેલયુક્ત દવા ૧૦ મિ.લિ. (૫ ઇ.સી.) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધતો જણાય તો ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છાંટવી. મોલોનાં ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપર્લા) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી જંતુનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

આ અંગે વધુ જાણકારી વિસ્તારનાં ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો તેમ જિલ્‍લા ખેતીવાડી અધિકારી, જિલ્‍લા પંચાયત, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

 

Related posts

Leave a Comment