હિન્દ ન્યુઝ, ભાવનગર
લોકભારતી સણોસરામાં રામકથા સાથે શિક્ષણ, ગ્રામવિકાસ અને કૃષિ અંગે સંગોષ્ઠિ યોજાશે. કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિ સાથે રવિવારથી ત્રણ બેઠકોમાં વિષયવાર નિષ્ણાતો માર્ગદર્શન આપશે.
શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ સાથે કાર્યરત લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલ રામકથા સાથે શિક્ષણ સંગોષ્ઠિ યોજાશે.
રવિવાર તા.૩૧ બપોરે ૩થી સાંજના ૬ કલાક દરમિયાન કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે ‘નઈ તાલીમ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ સંગોષ્ઠિ યોજાશે.
અહી મંગળવાર તા.૨ બપોરે ૩થી સાંજના ૬ કલાક દરમિયાન ‘ગ્રામાભિમુખ સંશોધન અને નવીનીકરણ’ સંગોષ્ઠિ લાભ મળશે.
ત્રીજા ભાગમાં શુક્રવાર તા.૫ બપોરે ૩થી સાંજના ૬ કલાક દરમિયાન ‘પ્રાકૃતિક કૃષિ અને કૃષિ પેદાશોનું મૂલ્યવર્ધન’ સંગોષ્ઠિ દ્વારા માર્ગદર્શન મળશે.
લોકભારતીમાં રામકથા લાભ સાથે આ શિક્ષણ સંગોષ્ઠિ માટે અનુક્રમે ગુજરાત નઈ તાલીમ સંઘ અને લોકભારતી અધ્યાપન મંદિર, લોકભારતી વિશ્વવિદ્યાલય અને પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર તથા લોકભારતી લોકસેવા મહા વિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સંકલન થયું છે. આ માટે સંસ્થાના રાજેન્દ્રભાઈ ખીમાણી સાથે હસમુખભાઈ સુથાર, ગિરીશભાઈ દવે અને જગદીશ ગિરિ ગોસાઈ તેમજ કાર્યકર્તા વિદ્યાર્થીઓ આયોજનમાં રહ્યા છે.