હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીરસોમનાથ જિલ્લાની કેસર કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે. જિલ્લાનો તાલાલા-ગીર વિસ્તાર કેસર રીના ગઢ સમાન છે. ગીર ગઢડા તાલુકામાં પણ કેસર કેરીનું વાવેતર દિવસે અને દિવસે વધતું જાય છે. કેરીના તાજા ફળોનું સેવન આરોગ્યની દ્રષ્ટિએ ઉતમ ગણાય છે. ગીરસોમનાથ જીલ્લામાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતી કેસર કેરી રાજ્યમાં તેમજ દેશભરના અન્ય શહેરોના માર્કેટ અને એર કાર્ગો મારફત વિદેશ સુધી પહોંચે છે. ઘણા ખેડૂતો કેસર કેરીનું માર્કેટીંગ જાતે કરતાં થયા હોવાથી ભાવો ખૂબ સારા મળે છે. ગીર સોમનાથ જીલ્લામાં હજુ પણ કેસર કેરીનાં નવા વાવેતરની ખૂબ જ શક્યતાઓ રહેલી છે. ગુજરાત સરકાર તરફથી પણ આંબા પાકના નવા વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ચાલુ વર્ષે આંબા પાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ હેઠળ નવી સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના અંતર્ગત આંબા પાકનું નવું ઘનિષ્ઠ પધ્ધતિથી વાવેતર કરવા માંગતા ખેડૂતોએ પ્રતિ હેકટર ૪૦૦ કલમનું વાવેતર કરવાનું હોય છે જેમાં પ્રતિ કલમ રૂ. ૧૦૦/- મુજબ અને કુલ રૂ. ૪૦૦૦૦/- ની સહાય પ્રતિ હેકટર મુજબ આપવામાં આવે છે. આ નવી યોજનાને ખેડૂતો તરફથી સારો પ્રતિસાદ મળેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં ચાલુ વર્ષે આંબા પાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતોની ૧૦૦૦ જેટલી અરજીઓ બાગાયત ખાતામાં થયેલ છે. જે પૈકી ૭૫૦ જેટલી અરજીઓને પૂર્વ મંજૂર કરવામાં આવેલ છે અને ૧૭૦ જેટલી અરજીઓમાં કુલ રૂપિયા ૪૫.૮૦ લાખની સહાયની ચુકવણી કરી આપવામાં આવેલ છે. બાકી રહેતા ખેડૂતોને સાધનિક કાગળો રજૂ થયે કેસોની ચકાસણી હાથ ધરી સહાયનું ચૂકવણું કરી આપવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાનો હાલનો આંબા પાકનો અંદાજીત વાવેતર વિસ્તાર ૧૪૦૦૦ હેકટર જેટલો છે. જેમાં ચાલુ વર્ષે આંબા પાકના વાવેતર વિસ્તારમાં અંદાજીત ૬૦૦ થી ૭૦૦ હેકટરનો નવો વધારો થશે. આંબા પાકના નવા વાવેતર કરવા માંગતા ખેડૂતોએ બાગાયત ખાતાની આ યોજનામાં લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર જઈ અરજી કરવાની રહે છે તેમજ અન્ય જરૂરી માહિતી તેમજ સાધનિક કાગળો માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, વિનાયક પ્લાઝા, રાજેન્દ્ર ભુવન રોડ, વેરાવળ ખાતે સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.