ગીર સોમનાથ જિલ્લામાં નાળીયેરી પાકના નવા વાવેતરમાં ધરખમ વધારો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ગીર સોમનાથ જિલ્લો લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેના કારણે પ્રાકૃતિક અને આબોહવાકીય દ્રષ્ટિએ નાળીયેરી પાકના વાવેતર માટે આ જિલ્લો ખૂબ જ અનુકૂળ છે. ગીર સોમનાથ જીલ્લામાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતા લીલા નારીયર (ત્રોફા) છેક દિલ્લી તેમજ દેશભરના અન્ય શહેરોના માર્કેટ સુધી પહોંચે છે.લીલા નાળીયેરના પાણીનું સેવન આરોગ્યની દ્રષ્ટિએ ઉતમ ગણાય છે. કોરોના કાળ બાદ લીલા નાળીયેરની માંગ ખુબ જ વધી છે. જેના કારણે ખેડૂતોને લીલા નાળીયેરના ખૂબ સારા ભાવો મળી રહ્યા છે. જેનો મહતમ લાભ નાળીયેરી વાવતા ખેડૂતોને મળે છે. ગુજરાત સરકાર તરફથી નાળીયેરી વાવતા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ચાલુ વર્ષે નાળીયેરી પાકના નવા વાવેતરમાં સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. ખેડૂતોએ બાગાયત ખાતાની આ નવી યોજનામાં લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર જઈ અરજી કરવાની રહેશે.

આ યોજના અંતર્ગત નાળીયેરી પાકનું નવું વાવેતર કરવા માંગતા ખેડૂતોને પ્રતિ હેકટર પચાસ હજાર(૫૦,૦૦૦) ખર્ચ ના ૭૫ % મુજબ ૩૭૫૦૦/- પ્રતિ હેકટર સહાય આપવામાં આવે છે. આ સહાય બે હપ્તા માં ચૂકવવામાં આવે છે. ખેડુત ખાતેદાર દીઠ વધુમાં વધુ ચાર હેકટર સહાય મળવાપાત્ર છે. આ નવી યોજનાને ખેડૂતો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.જીલ્લામાં ચાલુ વર્ષે નાળીયેરી પાકના નવા વાવેતરમાં સહાય મેળવવા માટે ખેડૂતોની ૧૨૦૦ જેટલી અરજીઓ બાગાયત ખાતાને મળેલ છે. જે પૈકી ૮૦૦ જેટલી અરજીઓને પૂર્વ મંજૂર કરવામાં આવેલ છે અને ૨૨૦ જેટલી અરજીઓમાં કુલ રૂપિયા ૪૬.૨૨ લાખની સહાયની ચુકવણી કરી આપવામાં આવેલ છે. બાકી રહેતા ખેડૂતોને સાધનિક કાગળો રજૂ થયે સહાયનું ચૂકવણું કરી આપવામાં આવશે.

તદુપરાંત જીલ્લામાં ચાલુ વર્ષે નાળીયેરી પાકના વાવેતર વિસ્તારમાં ૫૦૦ હેકટરનો વધારો થશે.તેમજ જિલ્લામાં હાલનો નાળીયેરી પાકનો અંદાજીત વાવેતર વિસ્તાર ૯૦૦૦ હેકટર જેટલો છે. સરકાર દ્વારા વિકસિત ભારતના ર૦૪૭ના વર્ષ સુધીમાં નાળીયેરી પાકનો કુલ વાવેતર વિસ્તાર ૨૦,૦૦૦ હેકટર સુધી લઈ જવાનો નિર્ધાર વ્યક્ત કરેલ છે. નારીયેરીના નવા વાવેતર કરવા માંગતા ખેડૂતોએ બાગાયત ખાતાની નવી યોજનામાં લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર જઈ અરજી કરવાની રહે છે. તેમજ અન્ય જરૂરી માહિતી તેમજ સાધનિક કાગળો માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, વિનાયક પ્લાઝા, રાજેન્દ્ર ભુવન રોડ, વેરાવળ ખાતે સંપર્ક કરવા એક યાદીમા જણાવવામાં આવ્યુ છે.

Related posts

Leave a Comment