હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવની ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સંકલ્પ યાત્રાનું બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. કલેક્ટર સહિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો અને નવા ૫૨ આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે, ઉપસ્થિત તમામ ગ્રામજનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.
કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ આ યોજનાઓની મહત્તમ જાણકારી મળી રહે તેવા આશય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગીર સોમનાથ જિલ્લામાં ભ્રમણ કરી રહી છે. સવની ખાતે યોજાયેલા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કેમ્પમાં ૫૩ લોકોની સ્વાસ્થ્યને લગતી બાબતોની તપાસ કરવામાં આવી હતી અને ૦૪ ટીબીના દર્દીઓની આરોગ્યલક્ષી તપાસ કરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોઈલ હેલ્થ કાર્ડ નિદર્શન તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ પણ સાધવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ૦૪ લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી અને કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.