ગીર સોમનાથમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને વ્યાપક જનપ્રતિસાદ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જનના ઘરઆંગણા સુધી પહોંચાડવા માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથ ગીર સોમનાથ જિલ્લામાં ભ્રમણ કરી રહ્યો છે. વહીવટી તંત્રના સુચારૂ આયોજન વડે આ રથના માધ્યમથી જિલ્લાના ગ્રામ્યસ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર જિલ્લામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે.

અત્યાર સુધી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના માધ્યમથી ૯૫ જેટલી ગ્રામપંચાયતોને આવરી લેવામાં આવી છે. આ રથના માધ્યમથી ૩૬૦૦ જેટલા નવા આયુષ્માન કાર્ડના નવા લાભાર્થી નોંધાયા છે અને સ્થળ પર જ ૨૨૯૮ જેટલા આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉજ્જવલા યોજના હેઠળ ૩૨૫ નવા લાભાર્થી નોંધાયા છે. જ્યારે ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત ૩૦૭ લાભાર્થીઓએ સરકારની કલ્યાણકારી યોજનાઓનો સુખદ અનુભવ જણાવ્યો છે.

આ ઉપરાંત વિવિધ જેટલા ૬૩ સ્થળોએ ડ્રોન નિદર્શન યોજાયું હતું અને પ્રાકૃતિક ખેતી કરતા ૧૨૭૩ જેટલા ખેડૂતો સાથે ખેતીવિષયક વાર્તાલાપ યોજાયા હતાં. જેથી પ્રાકૃતિક ખેતી તેમજ સરકારની વિવિધ ખેતીલક્ષી યોજનાઓનું માર્ગદર્શન મળી રહે.

ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા સંકલ્પ રથના માધ્યમથી અત્યાર સુધીમાં વિવિધ આરોગ્ય કેમ્પમાં ૭૯૮૫ લોકોની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી છે અને સાથે જ ૧૨૦૯ ટીબીના દર્દીઓએ અને ૦૭ જેટલા સીકલસેલના દર્દીઓએ આરોગ્ય તપાસ સાથે જરૂરી માર્ગદર્શન મેળવ્યું છે.

અત્યાર સુધીમાં સંકલ્પ રથના માધ્યમથી જિલ્લામાં વિવિધ સ્થળોએ યોજાયેલ કાર્યક્રમમાં કલા, રમતજગત તેમજ અન્ય વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન આપનાર ૧૬૬ મહિલાઓ, ૨૪૦ વિદ્યાર્થીઓ અને ૨૩૦ રમતવીરો અને ૧૦૮ સ્થાનિક કલા કારીગરોનું પણ સન્માન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શનમાં વેરાવળ, ઉના, કોડીનાર, સુત્રાપાડા સહિત તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ રથ ભ્રમણ કરી રહ્યો છે. જેના માધ્યમથી લોકોને સરકારની વિવિધ યોજનાની માહિતી પણ મળી રહી છે અને સાથે જ સ્થળ પર જ લાભ પણ મળી રહ્યો છે. ખાસ કરીને ‘વિકસિત ભારત સંકલ્પ રથ’ને ગ્રામજનોનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.

Related posts

Leave a Comment