હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
કોરોના વાયરસની ત્રીજી લહેરના સામાન્ય ચિહ્નનો જોવા મળી રહ્યા છે. આ સંભવિત ત્રીજી લહેરની દસ્તકને ખાળવા માટે સમગ્ર ગીર સોમનાથ જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે. આ સાથે કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટેના જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
સંભવિત કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા આગોતરા આયોજનનો ખ્યાલ આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે કહે છે કે, જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના સંક્રમણને અટકાવવા એક યોજનાબદ્ધ રણનીતિ સાથે આગળ વધી રહ્યુ છે. આરોગ્યકર્મીઓની ટીમ દ્વારા હાઉસ-ટુ-હાઉસ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. લોકોમાં કોરોના કે બિમારીના લક્ષણોના આધારે ચાર વર્ગમાં વિભાજિત કરે છે. આ માહિતીની આધારે કોરોનાના સંક્રમણનું ચિત્ર સ્પષ્ટ થાય છે. સાથે સાથે લોકોની સમયસર સારવાર પણ શક્ય બને છે. આ માટે જિલ્લામાં ૧૦૪૧ ટુકડીઓ કાર્યરત છે. જેના મારફત દરરોજ લગભગ ૪૦ હજાર જેટલા ઘરોનો સર્વે કરવામાં આવે છે. ઉપરાંત સંક્રમણને અટકાવવા માટે સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવેલા તમામ લોકોનો રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એટલે કે કોન્ટેક્ટ ટ્રેસિંગ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
કોરોના વાયરસથી સંક્રમિત લોકો ચુસ્ત હોમ આઈસોલેશન પાળે, તે માટે કડક અમલવારી કરવામાં આવે છે તેમજ હોમ આઈસોલેશનમાં રહેલા વ્યક્તિઓના આરોગ્યના મોનીટરિંગ માટે તાલુકાવાર સંજીવની કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. આ કોલ સેન્ટરના માધ્યમથી હોમ આઈસોલેશનમાં રહેલા સંક્રમિત વ્યક્તિની આરોગ્યની સ્થિતિની જાણકારી મેળવવામાં આવે છે. ધન્વતરી રથ દ્વારા લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે. આ સાથે લોકોને દવાઓની સાથે જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ નાગરિકો માટે કોરોના સંબંધિત કોઈ પણ માર્ગદર્શન-જાણકારી માટે તાલુકાવાર કંન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યાં છે. ઉપરાંત નાગરિકો પોતાની સલામતી માટે અચૂક માસ્ક પહેરવાની સાથે જાહેર સ્થળોમાં સામાજિક દૂરીનુ ચુસ્ત પાલન કરે તે માટે જિલ્લા પોલીસ સમજાવટની સાથે કડકાઈપૂર્વક કામ કરી રહી છે.
જિલ્લામાં ૧૦૮૮ બેડના વધારા સાથે કુલ ૧૮૪૫ બેડ ઉપલબ્ધ
ગીર સોમનાથ જિલ્લામાં બીજી વેવમાં ૭૫૭ બેડ હતા. જેમાં સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ૧૦૮૮ બેડનો વધારો કરવામાં આવ્યો છે. આમ, કુલ ૧૮૪૫ જેટલા બેડ ઉપલબ્ધ રાખવામાં આવ્યાં છે. જેમાં ૩૫ વેન્ટીલેટર સાથેના અને ૧૦૪૨ જેટલા ઓક્સિજન સુવિધાવાળા બેડ છે. ઉપરાંત બાળકો માટે ૯૪ જેટલા બેડની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૯ વેન્ટીલેટર અને ૩૪ ઓક્સિજન સાથેના બેડનો સમાવેશ થાય છે. તેમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલેએ ઉમેર્યું હતું.
દૈનિક ૧૪.૩૧ મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતાવાળા સમગ્ર જિલ્લામાં કુલ ૧૬ જેટલા ઓક્સિજન પ્લાન ઉભા કરાયા
ગીર સોમનાથ જિલ્લામાં બીજી વેવમાં દૈનિક ૧૧ થી ૧૨ મેટ્રિક ટન ઓક્સિજનના જથ્થાની જરૂરિયાત હતી. તેની સામે સંભવિત ત્રીજી વેવને ધ્યાનમાં રાખીને દૈનિક ૧૪.૩૧ મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતાવાળા સમગ્ર જિલ્લામાં કુલ ૧૬ જેટલા ઓક્સિજન પ્લાન ઉભા કરવામાં આવ્યાં છે. આ ૧૬ પ્લાન્ટમાં ૧૨ જેટલા ઓક્સિજન પ્લાન્ટનું પીએમ કેર, એમએલએ ફંડ, સીએસઆર, એનજીઓ સહિતના અનુદાનમાંથી અને ૪ ખાનગી હોસ્પિટલ્સ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આમ, સમગ્ર જિલ્લામાં તમામ તાલુકા ઉપરાંત સીમર અને ડોળાસા ખાતે પણ એક-એક ઓક્સિજન પ્લાન્ટ નિર્મિત કરવામાં આવ્યો છે. તેમજ ૧૦૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને ૮૬૧ જેટલા ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમ જિલ્લા વિકાસ અધિકરીએ જણાવ્યું હતુ. સાથે જ તેમણે કોરોના મહામારીને મ્હાત આપવા સતર્કતાની સાથે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા બહાર પડાવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું આવશ્યકની સાથે અનિવાર્ય હોવાનું ઉમેર્યું હતું.
