હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લામાં ભારે વરસાદના પાણી ઓસર્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં જન આરોગ્યને ધ્યાનમાં રાખીને સફાઈ, દવા છંટકાવ અને પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
નવસારી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતો, આરોગ્ય વિભાગ અને સંબંધિત વિભાગોના સંકલનથી આ કામગીરી ઝુંબેશના સ્વરૂપે શરૂ કરવામાં આવી છે. અસરગ્રસ્ત ગામોમાં રસ્તાઓ, જાહેર સ્થળો અને પાણી ભરાયેલા વિસ્તારોની સફાઈ ઉપરાંત જંતુનાશક દવાનો છંટકાવ તથા પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા, શુદ્ધ પાણીનો ઉપયોગ કરવા અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
