હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદને પગલે સુરક્ષાના ભાગરૂપે સ્થળાંતર કરાયેલા નાગરિકો માટે નવસારી શહેરના રામજી મંદિર અને ભક્તાશ્રમ ખાતે કાર્યરત આશ્રયસ્થાનની આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીઓએ આશ્રયસ્થાનમાં રહેતા સ્થળાંતરિત પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની સુખાકારી અંગે પૂછપરછ કરી હતી તેમજ આશ્રયસ્થાનમાં ઉપલબ્ધ રહેઠાણ, ભોજન, પીવાના પાણી, આરોગ્ય અને અન્ય જરૂરી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે અસરગ્રસ્ત નાગરિકોને જરૂરી તમામ સહાય સમયસર અને સુચારૂ રીતે ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીઓએ આશ્રયસ્થાન ખાતે સ્થળાંતરિત નાગરિકોને ભોજન અને ફૂડ પેકેટનું વિતરણ કરી રહેલા સ્વયંસેવકો સાથે પણ મુલાકાત કરી તેમની સેવાભાવના અને માનવતાપૂર્ણ કામગીરીને બિરદાવી હતી. આપત્તિના સમયમાં નિઃસ્વાર્થ ભાવથી સેવા આપતા સ્વયંસેવકોના યોગદાનને તેમણે પ્રશંસનીય ગણાવી વધુ સેવાકાર્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા.
મુલાકાત દરમિયાન મહાનગરપાલિકા મેયર અશોકભાઈ ધોરાજીયા , મ્યુનિસપિલ કમિશ્નર જયેશ ઉપાધ્યાય, સ્થાનિક પદાધિકારીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
