હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સરકારી યોજનાઓ થકી લોકકલ્યાણનો માર્ગ કંડારનાર ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા’ દેશભરમાં ચાલી રહી છે. તે અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ અવસરે જણાવ્યું હતું કે, સોમનાથનો ઈતિહાસ સમગ્ર દેશ માટે ગૌરવપ્રદ છે. સોમનાથના લોકોએ સોમનાથ દાદાના રક્ષણ અને સ્વાભિમાન માટે અનેક બલિદાન આપી ભારતીય સંસ્કૃતિને અક્ષુણ્ણ રાખી છે. તેવી આ તપોભૂમિ જેણે વિનાશ પર વિકાસની ગાથા આલેખી છે. સોમનાથ દાદાની ફરકથી ધજા તેનું દ્યોતક છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આ વિકાસ યાત્રા વિકસિત ભારતના વિચારને જન આંદોલન/લોક આંદોલન બનાવવાની યાત્રા છે. જે બાકી છે તેને મળવા માટેની યાત્રા છે તો આગામી પાંચ વર્ષમાં બધાને શત પ્રતિશત બધુ આપી દેવાના સંકલ્પ સાથેની આ યાત્રા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણાં છે અને આપણે સૌ નરેન્દ્રભાઈ મોદીના છીએ. તેવા સમયે વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલા વિકસિત ભારતની સંકલ્પના અને તેને સાકાર કરવાની દિશામાં ગુજરાત અગ્રેસર બનીને કાર્ય કરી રહ્યું છે. સમગ્ર દેશમાં જન આરોગ્ય કાર્ડ માટે પાંચ લાખની જોગવાઈ છે. તેની સામે ગુજરાતે પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ માટે દસ લાખ સુધીની જોગવાઈ કરી છે. અને તેનાથી પણ કદાચ વધુ જરૂર પડે તો મુખ્યમંત્રી રાહત નીધિમાંથી આ માટેનું ફંડ આપવાની જોગવાઈ કરીને સમગ્ર દેશમાં ગુજરાતે લીડ લીધી છે.
ગૃહમંત્રી એ ઉમેર્યું હતું કે ભારત બે હિસ્સામાં વહેંચાયેલું છે. એક કે જેની પાસે અનાજ, પાણી, આરોગ્ય સુવિધાઓનો અભાવ છે. તો બીજી તરફ ભારત તિરંગા સાથે ચંદ્ર સુધી પહોંચ્યું છે. તેવા સમયે દરેક વંચિત અને છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડવા માટેની આ યાત્રા છે. બીજી તરફ જર્મની, જાપાન જેવા દેશો કે જેઓએ છેલ્લા 75 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. તેવા દેશો સાથે હરિફાઈ કરીને સમગ્ર વિશ્વમાં ભારતને વિશ્વ ગુરુનું સ્થાન અપાવી સર્વપ્રથમ બનાવવાનો સંકલ્પ કરવા માટેની યાત્રા છે.
સંકલ્પ યાત્રા વિશે તેમણે જણાવ્યું હતું કે, આગામી 26મી જાન્યુઆરી સુધી ભારત દેશના નાનામાં નાના પંચાયત સ્તર સુધી આ યાત્રા પહોંચીને ગામમાં એકપણ લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહી જાય અને સત્વરે તેનો લાભ આપી શકાય તે પ્રકારની સુદ્રઢ વ્યવસ્થા અને આયોજન ગોઠવાય તે માટેની આ યાત્રા છે.
આપણે પણ ભારતને વિકસિત બનાવવાના આ સંકલ્પમાં સહભાગી થઈ ભારતનો કિસાન સમૃદ્ધ બને, દરેક વ્યક્તિને સુદ્રઢ આરોગ્ય વ્યવસ્થા પ્રાપ્ત થાય, દરેક ગરીબ સુધી અનાજ પ્રાપ્ય બને, ઉદ્યોગના વિકાસ સાથે દેશ વિશ્વની હરિફાઈ કરી શકે તે પ્રકારની આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ થાય તેવા વિકસિત ભારતને સાકારિત કરવા માટે આ સંકલ્પ યાત્રાનું દેશભરમાં આયોજન કરવામાં આવી રહ્યું છે.
વિકસિત ભારત બનાવવા માટે દેશના 130 કરોડ નાગરિકો જોડાય, ભારત આત્મનિર્ભર બને તે માટે સામાન્ય ખેડૂત પ્રયત્ન કરે, ગામડાનો નાનો નાગરિક દુકાન ચલાવે, ગામમાં કોઈ વંચિત ન રહી જાય તે માટે સંકલ્પબદ્ધ થવા તેમણે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
જેને લાભ મળ્યો છે અને જેને લાભ નથી મળ્યો તેની તુલના કરવાનો આ કોઈ ઉપક્રમ નથી તેમ જણાવી તેમણે ઉમેર્યુ કે, વિકસિત ભારત માટે સૌ ભારતવાસી સંગઠિત બને એક બની આગામી 100 વર્ષની ઉજવણી પ્રસંગે ભારત વિશ્વમાં અગ્રેસર બને, ઉદ્યોગ-ધંધા-વેપાર-વાણિજ્ય, ખેતી, આરોગ્ય, તમામે તમામ માનવીય જીવનને સ્પર્શતા ક્ષેત્રોમાં સર્વપ્રથમ ક્રમાંક હાંસલ કરે તે દિશા માટે દેશને એક સાથે જોડી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસથી જોડવાની આ યાત્રા છે.
વિકસિત ભારતનો સંકલ્પ કેવળ શબ્દો, કેવળ પ્રતિજ્ઞા, કે કેવળ સંકલ્પના નથી. દરેક ભારતીયોને સમકક્ષ બનાવવાનો પુનિત વિચાર છે, તેમાં સૌનું બળ પુરવાનો છે. આપણે દેશમાં અમૃત મહોત્સવની ઉજવણી કરી દેશના અનેક નામી-અનામી શહીદોને યાદ કરી યુવાનોને તે યાદો સાથે જોડવા 75 વર્ષની ઉજવણી કરી હતી. ભારત એક એવો દેશ કે જે એકસમયે ટાંકણીનું પણ ઉત્પાદન ન કરતો હતો તે આજે ચંદ્ર પર ભારતનો તિરંગો લઈને પહોંચ્યું છે. તેવો અભૂતપૂર્વ વિકાસ ભારતે કરી બતાવ્યો છે.
વર્ષ 2014 સુધીમાં આ દેશ બે ભાગમાં વહેંચાયેલો હતો. જેમાં એક ભારત એવું હતું જેમાં 70 કરોડ લોકોના ઘરમાં ગેસ, શૌચાલય, પાણી, ઘર નહોતું, અનાજ માટે સંઘર્ષ કરવો પડતો હતો, અને સ્વાસ્થ્ય સુવિધાઓની ઉપલબ્ધિ નહોતી. જ્યારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના સત્તાના સૂત્રો સંભાળ્યા છે. ત્યારથી દેશમાં જન-ધન ખાતા ખોલીને લોકોના ખાતામાં સીધા પૈસા વચેટિયા વગર જમા કરાવ્યા છે. દરેક ઘરમાં ગેસ કનેક્શન, વીજળી પહોંચાડીને એક પ્રકારનું સુવિધાપૂર્ણ જીવન લોકો માટે ઉપલબ્ધ બનાવ્યું છે.
આજે દેશના દરેક ખેડૂતોનાં ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા જમા થાય છે. જેના દ્વારા ખેડૂતોને દેવામાંથી મુક્તિ અપાવવામાં સફળતા મળી છે. અને તેના દ્વારા ખેડૂતોને આજીવન દેવા મુક્તિ કરવાની સુદ્રઢ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સરકારી યોજનાઓનું સો ટકા નામાંકન અને સિદ્ધિ પ્રાપ્ત થાય તે દિશામાં કેન્દ્ર સરકાર સંકલ્પબદ્ધ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, દેશમાં વડાપ્રધાનના નેતૃત્વમાં દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આવતા 25 વર્ષમાં દેશને વિકસિત ભારત બનાવવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે. કિસાન સન્માન નિધિ યોજનાનો ઉલ્લેખ કરી તેમણે સરકારની યોજનાઓથી કેવી રીતે લોકોનું જીવન બદલાયું છે તેની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ વિશેની જાણકારી આપતી દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી અને ભારતને વર્ષ 2047 સુધી વિકસિત અને આત્મનિર્ભર બનાવવાનો ઉપસ્થિત સૌને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ તકે, લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતાં અને લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે કીટ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ, ગૃહમંત્રી દ્વારા નલ સે જલ યોજના અને આયુષ્યમાન ભારત યોજનાની 100% કામગીરી માટે ચાંડુવાવ સરપંચ નિષિતાબેન બારડને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતાં.
આ તકે, જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં 3 રથના માધ્યમથી હાલ સરકારની 17 યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી રહી છે. ચાંડુવાવ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, લાઈવલીહૂડ મિશન, હરઘર જલ યોજનામાં 100% સિદ્ધિ મેળવી છે. છેવાડાના માનવીને સરકારની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડીને તેમના ઉદ્ધારનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વ પ્રદ્યુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, કે.સી.રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, પૂર્વ મંત્રી સર્વ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, જશાભાઈ બારડ, બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, પૂર્વ સાંસદ ચુનીભાઇ ગોહિલ, પૂર્વ બીજ નિગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, અગ્રણી સર્વ મહેન્દ્રભાઈ પીઠિયા, ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહભાઈ પરમાર, દિલીપભાઈ બારડ, શિવાભાઈ સોલંકી, જયેશભાઈ વઘાસિયા, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી અનુપ ખિંચી, આઇ.એ.એસ વર્ષા જોશી, રેન્જ આઈ.જી. નિલેશ ઝાઝડિયા, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત આગેવાનો, અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.