હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વેરાવળ તાલુકાના કિંદરવા ગામે પહોંચ્યો હતો. જ્યાં કિંદરવાના ગ્રામજનોને મહાનુભાવના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ અવસરે ઉપસ્થિત ગ્રામજનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના લાઈવ સંબોધનને નિહાળ્યું હતું.
આ તકે, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, જિલ્લાના ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઘરઆંગણે એક જ જગ્યાએ મળી રહે તેવી વ્યવસ્થા એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા.. વર્ષ ૨૦૪૭માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિકસિત બનાવવાની જે નેમ વ્યક્ત કરી છે તેને વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિપૂર્ણ કરી રહી છે. જેના દ્વારા છેવાડાનો માનવી સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓનો લાભ સ્થળ પર જ મેળવી રહ્યો છે.
કાર્યક્રમમાં જલ જીવન મિશનની ૧૦૦ ટકા કામગીરી કરવા બદલ કિંદરવા ગ્રામ પંચાયતના સરપંચનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સંકલ્પ યાત્રાના અવસરે ૨૯ ટી.બી રોગના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે ૭ રમતવીર, ૧ સ્થાનિક કલાકારીગર તેમજ ૪ વિદ્યાર્થીઓ તેમજ પ મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ૧૧ લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
તેમજ મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત ૪ લાભાર્થીઓએ પોતાને મળેલા વિવિધ યોજનાકીય લાભોના અનુભવો વર્ણવ્યા હતા. સંકલ્પ યાત્રામાં ૨૬ નવા આયુષ્માન કાર્ડ બનાવી સ્થળ પર જ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અગ્રણી પ્રવિણભાઈ આમહેડાએ સ્વાગત પ્રવચન દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાની રૂપરેખા વર્ણવી હતી.
આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબહેન મૂછાર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, ગોવિંદભાઈ પરમાર, પૂર્વ બીજ નિગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, વેરાવળ પ્રાંત અધિકારી કે.વી.બાટી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.