હિન્દ ન્યુઝ, સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજરોજ શ્રાવણ રૂપી શિવોત્સવનું સમાપન સોમનાથ મહાદેવના અન્નકૂટ શ્રૃંગાર સાથે કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારના મિષ્ઠાન સાથે અન્નકૂટ ભોગ ધરાવવામાં આવ્યો હતો.
જે રીતે આહારમાં વિવિધ પ્રકારના સ્વાદરસ રુચિ ઉત્પન્ન કરે છે તેજ રીતે જીવનમાં વિવિધ તબક્કાઓ અને પડકારો ચડતી અને પડતી ઉત્સાહ જાળવી રાખે છે. પણ જીવનની દરેક પરિસ્થિતિને મહાદેવનો પ્રસાદ માની અને સ્વીકારીને આગળ વધવુ એજ મનુષ્યનું કર્મ છે તેવો સંદેશ અન્નકૂટ શ્રૃંગારના માધ્યમથી આપવામાં આવ્યો હતો. ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તોના કલ્યાણ અને વિશ્વ શાંતિની પ્રાર્થના સાથે મહાદેવને ધરાવવામાં આવેલ અન્નકૂટ શ્રી સોમનાથ ટ્રસ્ટના અન્નક્ષેત્રમાં ભકતોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવેલ.
શ્રાવણ અમાસ ને દિને ‘હિન્દ ન્યુઝ’ નાં તંત્રીશ્રી ડૉ. સીમાબેન પટેલ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના અન્નકૂટ શ્રૃંગારના અદ્ભૂત દર્શન કરી ધન્યતા અનુભવી.