હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગરમાં આજે ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષભાઇ સંઘવીએ ‘ઓમ સેવા ધામ’ સંસ્થા આયોજિત ‘માધવ છે સંગાથે’ કાર્યક્રમમાં રમતવીરોનું સન્માન કર્યું હતું. ઉપરાંત કાર્યક્રમમાં ‘ઓમ સેવા ધામ’ના વડીલો, રોટરી ક્લબ સહિતની સંસ્થાઓ દ્વારા મંત્રી નું સન્માન કરવામાં આવ્યું હતું.
વિવિધ રમતોનાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ હાંસલ કરનારાં રમતવીરોને સન્માનિત કરી મંત્રીએ પ્રોત્સાહિત કર્યા હતા. બીજી તરફ ભાવનગરની વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા મંત્રીનું સન્માન કરી તેમનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં 108 ભૂલકાંઓએ બાળકૃષ્ણની વેશભૂષા ધારણ કરી મંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું
મંત્રીશ્રીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે ‘ઓમ સેવા ધામ’ સંસ્થા નિ:સહાય વડીલોનું આશ્રયસ્થાન બની ખરેખર વંદનીય કાર્ય કરી રહી છે. ખર્ચની રકમ મળી જાય એટલે કોઇ સંસ્થા સફળ નથી થઇ જતી. સંસ્થાના સંચાલકોની વિચારસરણી, આસપાસના નાગરિકોનો સહયોગ અને અથાગ પરિશ્રમ બાદ જ સંસ્થા સફળ બની શકે છે અને લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. લોકોને મદદ કરવી એ ભાવનગરનો અને આપણાં ગુજરાતનો સ્વભાવ છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય સેજલબહેન પંડ્યા, મહંત ગરીબદાસબાપુ, આધ્યાત્મિક ગુરૂશ્રી શૈલેષદાદા પંડિત, આગેવાન ડો. રાજીવ પંડ્યા, આગેવાન ભરતભાઇ મેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.