મહુવા ખાતે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરતાં ગૃહ રાજ્યમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ મહુવામાં ગુજરાત રાજ્ય માર્ગ-વાહનવ્યવહાર નિગમ દ્વારા નિર્મિત નવા બસ સ્ટેશનનું લોકાપર્ણ તેમજ ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા નવનિર્મિત મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનનું અને બગદાણા ખાતે પી.એસ.આઈ. રહેણાંક અને ૧૬ અન્ય આવાસોનું ઈ-લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. 

ગુજરાત રાજ્ય માર્ગ-વાહનવ્યવહાર નિગમ દ્વારા મહુવામાં રૂ. ૪૬૦.૯૯ લાખના ખર્ચે નિર્માણ થયેલા બસસ્ટેશનનું લોકાર્પણ વાહનવ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં કર્યુ હતું. 

આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દરેક કલ્યાણકારી યોજનામાં કે જનહિતકારી નિર્ણયોમાં ગરીબ-છેવાડાનો અને નાનો માનવી કેન્દ્રસ્થાને હોય છે.

મંત્રીએ જણાવ્યું હતું કે મહુવામાં નવનિર્મિત તૈયાર થયેલ એસ.ટી. બસ સ્ટેન્ડ થી મહુવાની જનતાની સુખાકારીમાં વધારો થયો છે. વડીલો, યુવાઓ, વિદ્યાર્થીઓ સૌ કોઈને આ બસ સ્ટેન્ડ એક લાભકારક બન્યું છે. આ બસ સ્ટેન્ડ માં તમામ પાયાની સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે. ૬૦૦ થી વધુ બસોનું કનેક્શન મહુવામાં એસ.ટી.વિભાગ પૂરી પાડી રહી છે. મહુવાથી દ્વારકા, સોમનાથ અને જામનગર સુધીની નવી બસો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી.

તેમણે બસ મથકોને એરપોર્ટ જેવી અદ્યતન સવલતો સાથેની એસ.ટી સેવાઓ આજે વોલ્વો જેવી સુવિધાસભર બસોથી સજ્જ બની છે તેની પણ સરાહના કરી હતી.

 આ બસ સ્ટેશન હવે તમામ લોકો માટે સારી સુવિધાયુકત બન્યુ છે ત્યારે તેની દરકાર રાખવાની હિમાયત મંત્રીએ કરી હતી. રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ બસ સ્ટેશનની લોકોપયોગી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

એસ.ટી.વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા રાત – દિવસ, તહેવારો જોયા વગર સતત કામગીરી પ્રત્યે પોતાની કર્તવ્યનિષ્ઠા દાખવી રહ્યાં છે. ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ગામેગામ સુધી પહોંચી વ્યાજના દૂષણને નાથવા માટે સતત કામગીરી કરી રહ્યું છે તે પ્રશંસનીય કાર્યને આ તકે મંત્રીએ બિરદાવી હતી.

કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત એસ.ટી.નિગમના એમ. ડી. એમ. એ. ગાંધી એ કર્યું હતું.

આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા, મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા પોલીસ અધિકારી હર્ષદ પટેલ, પ્રાંત અધિકારી કુસુમ પ્રજાપતિ, આગેવાન આર.સી.મકવાણા સહિતના જિલ્લાના આગેવાન પદાધિકારીઓ અને વહીવટીતંત્ર તથા એસ.ટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment