અંજારની રામ નવમીની રથયાત્રામાં સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણી કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, અંજાર

સેવા સમર્પણ ટ્રસ્ટ અંજાર દ્વારા રામ નવમી નિમિત્તે નીકળેલ ભવ્ય શોભાયાત્રામાં પક્ષીઓને પાણી તેમજ ચણ નાખવા માટેના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અંજાર શહેરના દાતાઓ તેમજ ટ્રસ્ટના અગ્રણીઓ દ્વારા અપાયેલ દાન અને સહયોગ થકી ૭૦૦૦ (સાત હજાર) જેટલા પક્ષીઓ માટે પીવાના પાણી કુંડાઓનું વિતરણ ખાસ સ્ટોલ બનાવીને કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઇ માલસત્તરે જણાવ્યું હતું કે, અંજાર શહેરની ભવ્ય રથયાત્રામાં ધાર્મિક માહોલમાં અનેક સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. જેમાં સેવા સમર્પણ ટ્રસ્ટ જે વિવિધ સેવાકીય તેમજ જીવદયા પ્રવૃતિ સાથે સંકળાયેલ ટ્રસ્ટ છે તેના દ્વારા દર વર્ષે ગરમીની સીઝનમાં પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે  તેમજ લોકોમાં પક્ષીઓ  પ્રત્યે કરુણા જાગે તે માટે લોકો જાતે પીવાના પાણીની વ્યવસ્થા પક્ષીઓ માટે કરે તેના માટે સંસ્થા દ્વારા દર વર્ષે પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. આ વખતે રામ નવમીની રથયાત્રામાં જ મોટી માત્રામાં કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ નિઃશુલ્ક પાણીના કુંડાઓના વિતરણ સ્ટોલની અંજાર મતવિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ મુલાકાત લઇ તેઓના ઉદ્બોધનમાં સંસ્થાની કામગીરીને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ અંજાર શહેર સહિત સમગ્ર કચ્છમાં પોતાની સેવાકીય પ્રવૃતિનો વ્યાપ વધારે તેવી શુભેચ્છા પાઠવી હતી.

સમગ્ર સેવાકીય કામગીરી દરમિયાન સંસ્થાના કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ, અગ્રણીઓએ તેમજ તેઓના પરિવારજનોએ પણ સાથ સહકાર આપ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટીઓએ આ તકે દાતાઓ, સહયોગીઓ, તેમજ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે સંસ્થા દ્વારા આ કાર્યમાં જોડાયેલ દાતાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.

Related posts

Leave a Comment