હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ, તા.૪: ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૩ નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. આ સાથે જ સમગ્ર ગીર સોમનાથ જિલ્લા તંત્ર ચૂંટણી યોજવા સજ્જ બન્યું છે.
વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી રાજદેવસિંહ ગોહિલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તુષારભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ શહેર તેમજ જિલ્લામાં સરકારી ઈમારતો, જાહેર સ્થળો, સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતોવાળા પોસ્ટર, બેનર ઉતારવાની કામગીરી કરવામાં આવી.
આ ઉપરાંત જિલ્લાની સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલ, દવાખાના, વિવિધ સરકારી શાળાઓની દિવાલો પરના રાજકીય જાહેરાતોના પોસ્ટર્સ, ફોટો, રાજકીય લખાણો વગેરે ઉતારવાની કામગીરી પણ પૂરઝડપે કરવામાં આવી છે. વેરાવળ-પાટણ સિટી વિસ્તારમાં જાહેર વિસ્તારમાં અત્યાર સુધીમાં ૩૦થી વધુ મોટા હોર્ડિંગ્સ, ૫૦૦થી વધુ નાના હોર્ડિંગ્સ, ૯૫થી વધુ દિવાલ પરના લખાણ, ૧૦૦થી વધુ પોસ્ટર્સ, ૫૦૦ કરતા વધુ બેનર્સ અને ૭૭૧ અન્ય અને ખાનગી વિસ્તારમાં ૧૯૦થી વધુ જેટલી વિવિધ પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે. નોંધનીય છે કે જિલ્લામાં ૪ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૧૦૭૭ મતદાન મથકો પર વિધાનસભા ચૂંટણી યોજાશે.