હિન્દ ન્યુઝ, ભાવનગર
હાલના સમયમાં બાળકો માત્ર મોબાઈલમાં રમી શકાય તેવી રમતોમાં સમય પસાર કરી રહ્યાં છે ત્યારે સાથે મળીને રમવાનું અને મેદાની રમતો ભુલાતી જાય છે, આ સમયમાં બાળકો મેદાની રમતોમાં પણ રસ લેતા થાય તે હેતુસર ભાવનગરની શૈશવ સંસ્થા પ્રેરિત બાલસેના દ્વારા તારીખ 1 નવેમ્બરથી ૩ નવેમ્બર સુધી અલગ –અલગ ઝોનમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં ભાવનગર શહેરના વિવિધ વિસ્તારના બાળકોએ ભાગ લીધો હતો.આ દિવસે લીંબુ-ચમચી, ત્રિપગી દોડ, કોથળા દોડ, કબડ્ડી ,ખો–ખો, ટોપી ઉતાર જેવી અલગ અલગ રમતોનું આયોજન બાળકો માટે કરવામાં આવ્યું હતું. આ રમતના આયોજનમાં 220 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ શિયાળાની શરૂઆતમાં બાળકો મેદાની રમતો માટે રસ કેળવતા થાય તેમજ બાળકોનો શારીરિક વિકાસ થાય. વળી દિવાળીની રજાઓમાં બાળકો મોબાઈલનો વપરાશ ઘટાડીને મેદાન તરફ વળે તે આ આયોજન પાછળનો મુખ્ય હેતુ રહ્યો.
આ રમત ઉત્સવમાં બાળકો હાર કે જીતની માટે નહિ પરંતુ સાથે મળીને વિવિધ રમતોને આનંદ સાથે માણી શકે, સાથે રમી શકે તેવી રમતોની પસંદગી કરવામાં આવી હતી.