શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્ય સાથે ભક્તો ઓનલાઇન અને પ્રત્યક્ષ શ્રદ્ધાળુ લક્ષ્મી પૂજન કરી ધન્ય બન્યા 

હિન્દ ન્યુઝ, સોમનાથ

      દિપાવલીના પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને વિધિવત લક્ષ્મી પૂજન કરાવવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી શ્રી સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ભક્તોને ઓનલાઇન માધ્યમથી ઉત્તમ પૂજન અનુભવ આપવાની દિશામાં અગ્રેસર છે. જે વિચાર હેઠળ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન અને ઓફલાઈન માધ્યમથી લક્ષ્મી પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. 

અગાઉથી જ પૂજન પંજીકૃત કરાવેલ શ્રદ્ધાળુઓનો સંપર્ક કરીને સુચારુ રૂપે ઓનલાઇન માધ્યમથી જોડીને તેમજ સોમનાથ મંદિરે પ્રત્યક્ષ આવનાર શ્રદ્ધાળુઓને મંદિરના સંકીર્તન ભવન ખાતે પૂજન કરાવવામાં આવ્યું હતું. બંને માધ્યમના લક્ષ્મી પૂજનમાં શ્રી યંત્ર, શ્રીગણેશ, રોજમેળ (એકાઉન્ટ બુક), લેખનીનું વિજય વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું હતું. ઓનલાઇન માધ્યમથી જોડાયેલ ભાવિકોના રોજમેળનું સોમનાથ ખાતે પંડિતજી દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. આમ શાસ્ત્ર અનુસાર લક્ષ્મી પૂજન કરી વિક્રમ સવંત ૨૦૮૧ તમામ ભક્તોને શુભ ફળ આપનાર અને સ્થિર અને શુભ લક્ષ્મી પ્રાપ્ત કરાવનાર રહે તેવા આશીર્વાદ શ્રી સોમનાથ મહાદેવ પાસે માગવામાં આવ્યા હતા.

ઓનલાઇન લક્ષ્મી પૂજન કરનાર શ્રદ્ધાળુઓને પૂજા કરેલ રોજમેળ, શ્રી યંત્ર, નમન ભસ્મ, રુદ્રાક્ષ, અને બોલપેન તેમના નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવશે.

ઓનલાઇન તેમજ ઓફલાઈન માધ્યમથી સોમનાથ મંદિર સાથે જોડાયેલ લક્ષ્મી પૂજન પૂજાના યજમાનોએ ટ્રસ્ટના આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી વિશ્વ વ્યાપી પૂજન અભિગમને વખાણ્યો હતો અને આયોજન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. 

Related posts

Leave a Comment