નારી વંદન ઉત્સવ અંતર્ગત ભાવનગર ખાતે મહિલા કર્મયોગીઓનું સન્માન તથા વિવિધ લાભોનું વિતરણ કરાયું

નારી વંદન ઉત્સવ- ભાવનગર

હિન્દ ન્યુઝ, ભાવનગર 

સમગ્ર રાજ્યમાં તા.૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત આજે ભાવનગરના મોતીબાગ ખાતે આવેલાં અટલ બિહારી વાજપેયી ઓપનએર થિયેટર ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર.સી. મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરમાં મહિલા વિકાસના ક્ષેત્રમાં ઉત્તમકાર્ય કરનાર કર્મયોગી મહિલાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીશ્રીએ મહિલાશક્તિને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે, મહિલાઓના આરોગ્ય, શિક્ષણ, રોજગાર વગેરેની ચિંતા સરકાર કરી રહી છે. મહિલાઓ જે તે ક્ષેત્રમાં આગળ વધે તે માટે પૂરતી તક અને ઉડવા માટેનું આકાશ રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. જેને લઈને નારી શક્તિનું આજે ખરા અર્થમાં સશક્તિકરણ થયું છે.

તેમણે મહિલાઓને સરકાર દ્વારા ચલાવાતી યોજનાઓનો વધુમાં વધુ લાભ લઇને રાજયના વિકાસને આગળ ધપાવવામાં યોગદાન આપવા અનુરોધ પણ કર્યો હતો.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વર્તમાન સમયમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ દ્વારા છેવાડાની મહિલાઓ સુધી રાજ્ય સરકારના લાભ પહોંચે અને મહિલાઓ પણ પુરુષના ખભેખભા મિલાવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

તેમણે દિકરીઓને વધુને વધુ શિક્ષણ લેવાં પર ભાર મૂકીને જણાવ્યું કે, માતાઓ પણ દીકરીઓને શિક્ષણ લેવા માટેનું વાતાવરણ પૂરું પાડે અને તેમને પ્રોત્સાહિત કરે તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે.

ધારાસભ્ય સુ વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહિલા શક્તિને વધુ મજબૂત બનાવવા રાજયમાં અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવી હતી. જેનાં પરિણામે રાજયની મહિલાઓએ આજે અનેક ક્ષેત્રે કાઠું કાઢીને સમાજ, રાજય અને દેશનું નામ રોશન કરી રહી છે.

વડાપ્રધાનશ્રીએ સમાજમાં દિકરીઓ માટે અનેકવિધ યોજનાઓ લાવીને દીકરીને સ્વમાનભેર જીવી શકે તેવું વાતાવરણ પૂરું પાડ્યું છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારિયાએ જણાવ્યું કે, રાજય અને દેશને મજબૂત અને પ્રગતિશીલ કરવાં હશે તો સ્ત્રી શિક્ષણ અનિવાર્ય છે.

ભારતના નવનિયુકત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ લોકતંત્ર અને મહિલા શક્તિનાં સશક્તિકરણનું જવલંત ઉદાહરણ છે કે, એક આદિવાસી સમાજની મહિલા આજે દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયાં છે. આનાથી વધુ મોટું મહિલા સશક્તિકરણનું ઉદાહરણ કયું જોઈએ તેમ જણાવીને તેમણે મહિલાઓને સક્રીયપણે વિવિધ ક્ષેત્રે ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.

જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, આપણું સમાજ જીવન અને ખાસ કરીને ઘર, મહિલાઓની આસપાસ ગુંથાયેલું હોય છે. એક મહિલા બીમાર પડે એટલે સમગ્ર ઘર પણ તેની અસર પડતી હોય છે. મહિલા બીમાર પડે તો આખું ઘર બીમાર થઈ જતું હોય છે.

મહિલા રાત-દિવસ એક કરીને કાર્ય કરતી હોય છે ત્યારે તેના કાર્યની પણ કદર થવી જોઈએ તેમ જણાવીને તેમણે કહ્યું કે,મહિલાઓમાં રહેલી અપારશક્તિને બહાર લાવવા તથા મહિલાઓ પગભર બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

સરકારની વિવિધ યોજનાઓ મહિલાઓ માટે કાર્યરત છે ત્યારે તેનો મહિલાઓએ વધુમાં વધુ લાભ લેવો જોઈએ તેવી અપીલ તેમણે કરી હતી.

મહિલા અને બાળ વિકાસ અધિકારી કે.વી. કાતરીયાએ સ્વાગત પ્રવચન કરીને ભાવનગર જિલ્લામાં મહિલા વિકાસ માટે કરવામાં આવેલી પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો.

આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનાર મહિલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ મહિલાલક્ષી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, અધિકારીઓ કર્મચારીઓ, તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment