આઝાદી કા અમૃત મહોત્સવ
હિન્દ ન્યુઝ, ભુજ
ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના સંયુક્ત સહકારથી નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના ગ્રામીણ વિસ્તારોમાં હર ઘર તિરંગા ફરકાવવા માટે પાંચ કરોડ ગ્રામીણ પરિવારોના સઘન સંપર્કનો મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી સ્થિત નેહરુ યુવા કેન્દ્ર સંગઠનનું મુખ્ય કાર્યાલય, છ ક્ષેત્રીય કાર્યાલયો અને ૨૯ રાજ્યોમાં સ્થિત કાર્યાલયોની દેખરેખમાં દેશના ૬૨૩ જિલ્લામાં કાર્યરત જિલ્લા નેહરુ યુવા કેન્દ્રના ૧૨ હજાર રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો તેમજ તમામ જિલ્લાના બ્લોકમાં કાર્યરત ૨.૫ લાખથી વધારે યુવા કલબોના નેટવર્કના માધ્યમથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર પર તિરંગો ફરકાવવામાં આવે તે માટે સંર્પક કરીને નાગરિકોને આગ્રહ કરવામાં આવશે. દરેક યુવા ક્લબ પોતાના ગામ અથવા નજીકના ગામોના તમામ ઘર અથવા ઓછામાં ઓછા ૨૦૦ ઘરનો સંપર્ક કરીને તિરંગો ફરકાવવા માટે લોકોને પ્રેરિત કરશે.
સામાન્ય નાગરિક પણ હવે પોતાના ઘર પર તિરંગો ફરકાવી શકે એવી અમૂલ્ય તક આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમના અવસરે લોકોને મળવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં જોડાઈને નહેરૂ યુવા કેન્દ્રના યુવા સ્વયંસેવકો દેશને આઝાદી અપાવનારા ક્રાંતિકારીઓના બલિદાનની શૌર્યગાથાનું દસ્તાવેજીકરણ અને તેમના સન્માનમાં મોટાપાયે વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
યુવા સ્વયંકો દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ સંદર્ભે દરેક જિલ્લાના દરેક બ્લોકમાં તિરંગાની સાથે પ્રભાત ફેરી, રેલી, સાઈકલ, મોટર સાઈકલ રેલી, ક્વિઝ, નિબંધ લેખન, પેન્ટિંગ, ફોટોગ્રાફી વગેરે સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. નહેરૂ યુવા કેન્દ્રના તમામ અધિકારીઓ, સ્વયંસેવકો અને યુવા ક્લબો હર ઘર તિરંગા કાર્યક્રમને લઈને સક્રિયતાપૂર્વક કામગીરી કરી રહ્યા છે એવું નહેરૂ યુવા કેન્દ્ર ભુજ કચ્છના જિલ્લા યુવા અધિકારી રચના વર્માની અખબારી યાદીમાં જણાવાયું છે