નારી વંદન ઉત્સવ અંતર્ગત ૫ ઓગષ્ટના રોજ કચ્છમાં રાજ્યકક્ષાના મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાશે  

હિન્દ ન્યુઝ, ભુજ

        દેશ અને રાજ્ય અને સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી મહિલાઓને પ્રોત્સાહિત તથા તેમના યોગદાનને બિરદાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તા. ૧ ઓગષ્ટથી નારી વંદન ઉત્સવનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત તા. ૫ ઓગષ્ટના મહિલા કર્મયોગી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કચ્છ જિલ્લામાં થશે. જે સંર્દભના આયોજન અને વ્યવસ્થાપન અનુસંધાને  નિવાસી અધિક કલેક્ટર શ્રી હનુમંતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

        આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરએ સંબંધિત તંત્રના અધિકારીશ્રીઓને કાર્યક્રમની કામગીરીને લઈને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના સુચારું આયોજન અંગે યોગ્ય વ્યવસ્થા કરવા માટે સૂચન કર્યું હતું. તા.૫ ઓગસ્ટના ભુજમાં યોજાનાર આ કાર્યક્રમમાં મહિલા સરપંચ/ તાલુકા અને જિલ્લાકક્ષાએ સમાજમાં આગવું પ્રદાન કરનાર મહિલાઓ, ઉદ્યોગ સાહસિક મહિલાઓ, ખેતીવાડી ક્ષેત્રે અને ડેરી-પશુપાલન ક્ષેત્રે આગવું પ્રદાન આપનાર મહિલા ખેડૂતો તથા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે તેવું જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેએ જણાવ્યું હતું.

        બેઠકમાં ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક તથા સંબંધિત વિભાગના સર્વ અધિકારી હાજર રહ્યા હતા

Related posts

Leave a Comment