હિન્દ ન્યુઝ, ભુજ
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજથી ગુજરાત સરકાર દ્વારા ૧૮ થી ૫૯ વયજુથના માટે ૭૫ દિવસ સુધી વિનામુલ્યે પ્રિકોશન ડોઝનો પ્રારંભ કરાયો છે ત્યારે આજે ભુજ જિલ્લા માહિતી કચેરી ખાતે સર્વ પત્રકારો અને તેમના પરિવારજનોને પ્રિકોશન ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા આરોગ્ય વિભાગના સહકારથી કચ્છમાં આજે ૨૬ સ્થળોએ ડોઝની શરૂઆત કરાઇ છે ત્યારે કોરાનાને હરાવવા તથા લોહશાહીની ચોથી જાગીર સમા પત્રકારો અને તેના પરીવારજનોની આરોગ્ય સુરક્ષા માટે નાયબ માહિતી નિયામકની કચેરી, માહિતી ભવન ભુજ ખાતે વિનામુલ્યે યોજાયેલા પ્રિકોશન(કોવિશિલ્ડ-કોવેક્સિન) ડોઝ કેમ્પનો સર્વ પત્રકારો અને તેના પરીવારજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ સાથે જિલ્લા માહિતી કચેરીના કર્મચારીગણે પણ રસીકરણ કરાવ્યું હતું. આ પ્રસંગે અધિક કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.ફુલમાળીએ જણાવ્યું હતું કે, કોરોનાથી સુરક્ષા પ્રાપ્ત કરવા માટે રસીકરણ કરાવવું જરૂરી છે. ત્યારે પાત્રતા ધરાવતા તમામ પત્રકારો પ્રિકોશન ડોઝ લઇને કોરોનાને હરાવવા સહભાગી બને તેવો અનુરોધ કર્યો હતો. રસીકરણની કામગીરીમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પરબતભાઇ આહિર, રામીબેન રબારી, હનીષાબેન કુંભાર જોડાયા હતા.