હિન્દ ન્યુઝ, અમરેલી
જિલ્લામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના આગમન થવાનું છે ત્યારે દેવરાજીયાની વિકાસ યાત્રા સૌને પ્રેરણા આપનારી ભૂગર્ભ ગટર, સીસીટીવી, આર.ઓ વોટર, અત્યાધુનિક રસ્તાઓ સાથે દેવરાજીયા બન્યું ‘સ્માર્ટ વિલેજ’
‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા ‘‘વંદે ગુજરાત’’ વિકાસયાત્રાનું તા.૫ થી તા.૧૯ જુલાઇ સુધી રાજ્યના તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામલક્ષી વિકાસને વેગ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. “વંદે ગુજરાત – ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ” અંતર્ગત તાલુકા મથકો પર પ્રદર્શન તથા મેળાઓ યોજાશે. સ્વ સહાય જૂથ – કારીગરો દ્વારા ઉત્પાદન કરવામાં આવેલી ચીજવસ્તુઓના વેચાણ માટે મેળાઓ અને પ્રદર્શન યોજવા અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આયોજન છે. અમરેલી જિલ્લામાં પણ આ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાવાના છે ત્યારે નગરો સાથે ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા ૨૦ વર્ષમાં થયેલી પ્રગતિ આંખે ઉડીને વળગે એવી છે. ખાસ કરીને જો જિલ્લાના પ્રગતિશીલ ગામ દેવરાજીયાની વાત કરવામાં આવે તો, દેવરાજીયાની પ્રગતિએ વિકાસના સીમાડાઓ ઓળંગ્યા છે અને વિકાસના આભને આંબી લીધું છે. સરકારની વિવિધ યોજનાઓનાં લાભ દ્વારા ‘સ્માર્ટ વિલેજ’ કહી શકાય તેવા આદર્શ ગામનું નિર્માણ કરવામાં સફળતા મળી છે. ભારતનો આત્મા જ્યારે ગામડાંમાં વસે છે ત્યારે ગામડાંના આત્મા સાથે શહેરની સુવિધાઓને ચરિતાર્થ કરતું દેવરાજીયા જિલ્લાનાં ગ્રામીણ વિસ્તારના વિકાસનું રોલ મોડલ છે. સમરસ એવા દેવરાજીયા ગામની વસતિ ૧,૪૦૦ની છે. આ ગામમાં છેલ્લા ૨૦ વર્ષમાં નિરંતર વિકાસ થયો છે. ગામના સરપંચશ્રીઓ દ્વારા થયેલા જુદાં-જુદાં વિકાસ કામોને કારણે ગામ હાલમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. પેવર બ્લોકથી ગામનાં માર્ગો એ પ્રગતિની જુદી દિશા કંડારી છે. એલઈડી સ્ટ્રીટ લાઈટ દ્વારા ગામમાં જાહેર રોશનીની સુવિધા છે. ગામના ચોરે વડીલો માટે બેસવાની અલાયદી બેઠક વ્યવસ્થા છે જે દેવરાજીયા આવતા રાહદારીઓને પણ છાયડો અને હૂંફ આપે છે. બાળકો માટે હીંચકાઓ છે, ગામમાં વાઈ-ફાઈ, ડોર-ટુ-ડોર કચરો એકઠો કરવાની વ્યવસ્થા તેમજ પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર યોજના લાગુ કરવામાં આવી છે. દેવરાજીયાની વિકાસયાત્રા વિશે માહિતી આપતા સરપંચ શ્રીમતી શગુણાબેન વેકરીયાએ જણાવ્યું કે,’દેવરાજીયા ગામમાં એક સમયે પાયાની સુવિધાઓનો પણ અભાવ હતો. જો કે, સરકારશ્રી સાથે મળીને અનેક સુવિધાઓ શરૂ કરવાં આવી છે. ગામડાંઓની સમૃદ્ધિ કેવી હોય તેનું ઉદાહરણ અમારું ગામ. અહીંયા સંપૂર્ણપણે શુદ્ધ આર.ઓ. વોટર આપવામાં આવે છે. નજીવા દરે ગ્રામજનો આર.ઓ.પાણી મેળવી શકે છે. ગ્રામ પંચાયતની કચેરીનું નવિનીકરણ કરવામાં આવ્યું છે તો સાથે જ બાળકોને ઘરે જવાનું મન ન થાય તેવાં નંદઘર અને શાળા માટે અત્યાધુનિક ઓરડાઓ સાથે ભવનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રગતિશીલ ગામડાંઓની પરિકલ્પનાને અમે ચરિતાર્થ કરી રહ્યા છીએ.દેવરાજીયા ગામનો આ વિકાસ પહેલાં આવો નહોતો. ગામમાં અનેક સુવિધાઓ છેલ્લા એક દોઢ દાયકામાં પ્રાપ્ત થઈ છે. ગામની સાફલ્યા ગાથા વર્ણવતા પૂર્વ સરપંચ કૌશિકભાઈ વેકરીયા જણાવે છે કે, મારું ગામ ગોકુળીયું ગામ, ૬૦/૪૦, આદર્શ ગ્રામ, સમરસ ગામની અનેક યોજનાઓનો લાભ લઈ અમે આ વિકાસકાર્યો કર્યા છે. અહીંયા રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગામડાંની સમૃદ્ધિ કેવી હોવી જોઈએ તે અમે રજૂ કરી રહ્યા છીએ. આગામી સમયમાં પણ અમે સરકારની મદદથી દેવરાજીયાને વધુ સમૃદ્ધ અને વધુ સુવિધાયુક્ત બનાવવા કટીબદ્ધ છીએ. દેવરાજીયામાં આગામી સમયમાં લોકભાગીદારીથી ૨૮ બેઠકોની ક્ષમતા વાળું થિયેટર શરૂ કરવાની સરપંચ શગુણાબેનની નેમ છે. હાલમાં પંચાયતની કચેરીની ઉપરના ભાગે જીમ અને લાઈબ્રેરી માટેના ઓરડાનું નિર્માણ થઈ રહ્યુ છે. આમ, આગામી સમયમાં આ ગામ નગરોના વિકાસને પણ આંબી જાય તેવું આયોજન ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવ્યું છે.
ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન વિવિધ વિકાસાત્મક કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. તેમજ સરકારની સેવા થકી ગુજરાતની ૨૦ વર્ષની વિકાસ યાત્રા દર્શાવતા ત્રણ રથ જિલ્લા ભરના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરશે. આ ઉપરાંત પ્રભાત ફેરી, યોગ કાર્યક્રમો, કીટ વિતરણ, પોષણલક્ષી વાનગી સ્પર્ધા, બાળકોના વિકાસ વૃદ્ધિ અંગે તપાસ, શાળાઓમાં ચિત્ર અને નિબંધ સ્પર્ધા, વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ, આયુષ્યમાન ભારત પી.એમ.જે.એ.વાય અંતર્ગત કાર્ડ વિતરણ કેમ્પ, નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પ, કેવાયસી દ્વારા અપડેટેશન, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ જેવા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.