સત સેવાભાવ ચેરીટેબલ ટ્રસ્ટ ઉર્ફે “ગાંડાની મોજ” આશ્રમમાં વધુ એક હોલની સુવિધા

હિન્દ ન્યુઝ, રાજકોટ

             મનોદિવ્યાંગોએ હાજર રહી કરેલી પ્રાર્થના જ્યારે આપણી આસપાસ કોઈ માનસિક વિકલાંગ જોવા મળે છે તો તેની આજુબાજુથી આવા શબ્દો પણ સાંભળવા મળે છે કે, ‘આ પાગલને કોણ સાચવે’. સમાજમાં માનસિક વિકલાંગ વ્યક્તિની હાલત પણ વાસ્તવમાં દયનીય જ છે. તેઓ સન્માનભેર રહી શકે, સુરક્ષાનો ભાવ મહેસુસ કરી શકે તેવો સમાજ નિર્માણ કરવામાં આપણે ક્યાંક ચૂકી ગયાનો અહેસાસ થાય પરંતુ કેટલીક એવી સંસ્થાઓ છે, જે આજેય તંદુરસ્ત સમાજ નિર્માણ કરવાની દિશામાં ડગ ભરતી રહે છે. આ સંસ્થાઓ માનસિક વિકલાંગને ‘પાગલ’ નહીં પરંતુ મનોદિવ્યાંગ સમજે છે અને મનથી તેની સેવા કરે છે. રાજકોટમાં પણ મનોદિવ્યાંગોનો એક આધાર છે. શહેરની ભાગોળે આવેલ ‘ગાંડાની મોજ’ વાસ્તવમાં અસ્થિર વ્યક્તિઓનાં મોજનું સરનામું જ છે. મનોદિવ્યાંગ માટે આત્મનિર્ભરતાથી અને નિર્ભયતાથી જીવવાનો એક વિસામો એટલે જ ખીરસરાથી નજીક એવા દેવગામ સ્થિત ‘‘સત સેવાભાવ ચેરીટેબલ ટ્રસ્ટ ઉર્ફે ગાંડાની મોજ’. આ ‘ગાંડાની મોજ’ આજે એક બે નહીં પરંતુ ૧૫થી વધુ મનોદિવ્યાંગોનો સહારો બન્યું છે અને બધાને મોજ કરાવનાર વિષ્ણુભાઈ ભરાડ મનોદિવ્યાંગો માટે છત્ર સમાન છે. ઘરના મોભીની માફક વિષ્ણુભાઇનો મનોદિવ્યાંગો તરફનો વ્યવહાર હોય છે. શહેરમાંથી કે બહારગામથી ફોન આવે કે અન્ય કોઈ પણ રીતે જાણ થાય કે અહીં કોઈ મનોદિવ્યાંગ છે અને તે હેરાન પરેશાન થાય છે એટલે વિષ્ણુભાઈ તેનો આધાર બની જાય અને ગાંડાની મોજ આશ્રમમાં લઈ આવે. અહી તેની બરાબર સારવાર કરે, તેને નવડાવે, નખ કાપી આપે અને સુંદર સ્વસ્થ બનાવે. માનસિક વિકલાંગનો સ્વભાવ અને નિભાવ બિલકુલ સહેલો નથી હોતો. તેમને નાનાબાળકોની માફક સાચવવા પડે છે તો ક્યારેક કઠોર બનીને કડવી દવા પણ પીવડાવવી પડે છે. આવા મનોદિવ્યાંગ લોકો માટે વિષ્ણુભાઈ અને ગાંડાની મોજ બંને આશીર્વાદરૂપ છે. વિષ્ણુભાઈએ માત્ર સમાજસેવા રૂપે અનાથ અને નિસહાય લોકોને ફળ, જમવાનું અને કપડાં જેવી જરૂરિયાતની વસ્તુઓ આપવાનું શરૂ કરેલું. સમયાંતરે તેઓએ મનોદિવ્યાંગો માટે વિશેષ ભાવ જાગતો ગયો અને ગાંડાની મોજ આશ્રમે આકાર લીધો.

આમ ‘‘સત સેવાભાવ ચેરીટેબલ ટ્રસ્ટ-ગાંડાની મોજ’’નું બીજારોપણ થયું અને ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા જમીનનું યોગદાન આપી સમર્થન મેળવ્યા બાદ વિષ્ણુભાઈ ભરાડે આવા માનસિક વિકલાંગ લોકોની સેવાને જ તેમના જીવનનો મૂળ મંત્ર બનાવી લીધો. જેમાં તેઓ આજે સફળ પણ થયા છે અને અવિરત સેવા કરી રહ્યા છે. મનોદિવ્યાંગઓને માત્ર સારવાર કરવામાં કે સુખેથી રાખવામાં જ નથી આવતા પરંતુ તેમને તેમના પગભર બનાવવાની કોશિશ પણ કરવામાં આવે છે. અહીં અનેક મનોદિવ્યાંગઓ એવા છે જેઓ આજે થોડું ઘણું કામ કરતાં પણ થયા છે. જેનો શ્રેય વિષ્ણુભાઈને જાય છે. ‘ગાંડાની મોજ’ આશ્રમમાં વિષ્ણુભાઈ સતત નવું કઈંકને કઈંક કરતાં જ રહે છે. ત્યારે તાજેતરમાં એક નવા જાજરુ અન બાથરુમ સહિતના હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને શહેરના પ્રસિધ્ધ તેમજ નામાંકિત ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠક્કરે આ નવા નિર્માણ પામેલા હોલમાં ગાયત્રી યજ્ઞ કરાવીને મનોદિવ્યાંગો માટે વિશેષ પ્રાર્થના પણ કરી હતી. મહત્વની બાબત એ છે કે કેટલાક મનોદિવ્યાંગો આ ગાયત્રીહવનમાં હાજર રહ્યા હતા અને ધર્મ તરફ પ્રેરાયા હતા. માનસિક વિકલાંગ લોકો માટે ‘ગાંડાની મોજ’માં ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. જો એક વાક્યમાં કહેવામાં આવે તો આ ‘ગાંડાની મોજ’ આશ્રમ મનોદિવ્યાંગો માટે મંદિર બની ગયું છે. મળવા જેવા સેવાના આ ભેખધારી નો સંપર્ક નંબર પણ નોધી લેશો : વિષ્ણુભાઇ ભરાડ મોબાઇલ નંબર – ૯૫૫૮૬૭૭૭૯૦

Related posts

Leave a Comment