હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર શહેર, ભાવનગર ગ્રામ્ય અને બોટાદ મતવિસ્તાર સંસદીય મતવિસ્તારને સમાવતી સાંસદ ખેલ સ્પર્ધાનું તા. ૧૮ મી જૂન થી ૨૬ મી જૂન એમ ૯ દિવસ સુધી વિવિધ દેશી અને વિસરાતી જતી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાંસદ ખેલ સ્પર્ધામાં ખોખો, વોલીબોલ, સંગીત ખૂરશી, ગોળા ફેક, રસ્સા ખેંચ અને દોડ એમ ૬ રમતો અને ભાવનગર ખાતે સ્વિમિંગ અને બોટાદ ખાતે રેસલિંગ મળી કુલ ૮ રમતોમાં ૧૦,૧૬૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી આજે તાલુકા અને ઝોન કક્ષાએ વિજેતા થયેલા ૧,૫૬૩ વિદ્યાર્થીઓ ફાઇનલમાં તેમની પ્રતિભા બતાવી હતી.
સિદસર ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલાં સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળએ આ આ અવસરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં સંસદીય મતવિસ્તારોમાં યોજાયેલી આ સ્પર્ધાએ વિસરાયેલી, સ્વદેશી અને દેશી રમતોનો સમાવેશ કરીને તેને ઉજાગર કરવાનું કાર્ય કર્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ વિશ્વ યોગ દિવસની ઉજવણી દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પોતને વિશ્વભરમાં ઉજાગર કરી છે.
વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ખેલ મહાકુંભ સ્પર્ધાની શરૂઆત કરાવીને ક્રિકેટ, ટેનિસ જેવી આંતરરાષ્ટ્રીય રમતો સિવાયની દેશી રમતોને અગ્રતા આપીને રાજ્યના ગામે ગામ સુધી રમત માટેનું વાતાવરણ બનાવ્યું હતું.
અને આજે તેઓ ‘ખેલો ઇન્ડિયા’ દ્વારા દેશના ખૂણે-ખૂણે પડેલી પ્રતિભાને બહાર લાવવાનું કાર્ય કરી રહ્યાં છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, દેશમાં રહેલા આવાં પ્રતિભાવંત ખેલાડીઓને નિખારવા માટે દેશમાં ‘ખેલો ઇન્ડિયા’ અંતર્ગત ૮ કેન્દ્રો શરૂ થઈ ગયા છે અને તેમાં ૨,૫૦૦ જેટલા ખેલાડીઓ પાછળ પ્રતિ ખેલાડી રૂ. ૬.૫૦ લાખનો ખર્ચ કેન્દ્ર સરકાર કરી રહી છે.
વડાપ્રધાનએ ‘મન કી બાત’ના તેમના કાર્યક્રમમાં દેશના ખેલાડીઓ, દેશમાં રમાઇ રહેલી રમતો, દેશમાં પડેલાં હુન્નર, ખેલાડીઓના માતા-પિતા શું કરે છે, તેની ચર્ચા કરીને વડાપ્રધાનએ રમત -ગમત પ્રત્યે દેશનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.જે બતાવે છે કે, વડાપ્રધાન આ રમતોને આગળ વધારવા માટે કેટલાં પ્રતિબદ્ધ છે.
રમતમાં હાર-જીત હોઈ શકે છે, પરંતુ રમતમાં ભાગ લેવો તે જ ખૂબ અગત્યનું છે તેમ જણાવી તેમણે ખૂબ જ ટૂંકા ગાળામાં તાલુકા અને ઝોન કક્ષાએ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે ટ્રેનર, વોચ, વ્યાયામ શિક્ષકો અને તંત્રનો સહકાર રહ્યો છે તે માટે તેમણે તમામને અભિનંદન આપવા સાથે વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી જણાવ્યું કે, ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ દ્વારા રાજ્ય અને દેશના અનેક ખેલાડીઓએ રમત-ગમત ક્ષેત્રે તેમનું આગવું નામ બનાવ્યું છે.
આ બધું એમ નામ નથી થતું તેમ જણાવી તેમણે કહ્યું કે, આ માટે સખત પરિશ્રમ કરવો પડે છે.જ્યારે પીડા ભોગવવીએ ત્યારે જ પરિણામ મળતું હોય છે. કોઈપણ સફળ અને શ્રેષ્ઠ વસ્તુ બનાવવાં માટે સખત પરિશ્રમથી જ શ્રેષ્ઠ પરિણામ હાંસલ થતું હોય છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ખેલ મહાકુંભ સ્પર્ધાના આયોજન દ્વારા વિસરાતી જતી રમતો પુનર્જીવિત થાય અને ન રમી હોય તેવી દેશી રમતો પણ લોકો રમે તે માટે તેનું ફલક દૂરદરાજના ગ્રામીણ સ્તર સુધી ફેલાવ્યું હતું અને આજે રાજ્યના ખૂણે ખૂણેથી ખેલાડીઓ વિવિધ સ્પર્ધામાં પોતાનું કૌવત ઝળકાવીને આગળ વધી રહ્યાં છે.
રમતથી સંઘભાવના તો વિકસિત થાય છે, આ ઉપરાંત તંદુરસ્તી અને શરીર સૌષ્ઠવ પણ જળવાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કોઈ પણ સમાજ જીવનને સ્પર્શતી બાબતની શરૂઆત કરે ત્યારે તેના શ્રેષ્ઠ પરિણામો મળતાં જ હોય છે તેનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, તેમને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી.
ગઈકાલે જ પૂર્ણ થયેલા શાળા પ્રવેશોત્સવમાં રાજ્યમાં ૫.૭૨ લાખ વિદ્યાર્થીઓએ ધોરણ-૧ માં પ્રવેશ મેળવ્યો છે.૩૦,૩૩૦ પ્રાથમિક શાળાઓમાં યોજાયેલ આ કાર્યક્રમમાં નાના બાળકો પણ સ્ટેજ પર આવીને બોલે તે પ્રકારનું પરિવર્તન આવ્યું છે.
શિક્ષણ માટેની વ્યવસ્થાઓ માટે લોકોએ રૂ. ૨.૫૪ કરોડની રોકડ રકમ આપવા સાથે રૂ. ૨૫ કરોડથી વધુની પેન, પાટી, દફ્તર જેવી ચીજવસ્તુઓ લોકભાગીદારીથી આપી છે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન રૂ. ૨૫ કરોડના નવા ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧.૫૮ લાખ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે જે બતાવે છે કે લોકો માટે કરવામાં આવેલા આ કાર્યને લોકોએ સ્વીકારી સમર્થન કર્યું છે તેમણે વધુમાં ઉમેર્યું હતું.
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી આર.સી. મકવાણાએ જણાવ્યું કે, ખો-ખો, કબડ્ડી, રસ્સાખેચ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો જેવી દેશી સ્પર્ધાઓ આ સાંસદ ખેલ મહાકુંભ સ્પર્ધામાં સામેલ કરવામાં આવી હતી. જેમાં ભાવનગર અને બોટાદ જિલ્લાના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામાજિક નિસબતની વાત મૂકે છે ત્યારે તેના પરિણામો અદ્ભુત આવતાં હોય છે તેમ જણાવી તેમણે ‘મન કી બાત’માં વડાપ્રધાનએ કરેલી વાત આજે દેશના કરોડો લોકો દિલથી સ્પર્શે છે તેને કારણે જ આજે સમાજ સુધારણા અને વિકાસ એક નવી દિશા કંડારી શકાઈ છે.
સાંસદ ખેલ સ્પર્ધાના અંતિમ દિવસે વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ તકે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, પાલિતાણા ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, ડેપ્યુરી મેયર કૃણાલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, જિલ્લા ભા.જ.પા.પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા, શહેર ભા.જ.પા.પ્રમુખ રાજીવભાઈ પંડ્યા સહિતનાં પદાધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી