ભાવનગર ખાતે આગામી તા. ૧ જુલાઈ ના રોજ યોજાનાર રથયાત્રાને લઈને ભાવનગર શહેર એકતા સમિતિ બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર ખાતે આગામી તા.૧ લી જુલાઈના રોજ ભાવનગર ખાતે યોજાનાર ગુજરાત રાજ્યની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભાવનગર એકતા સમિતિની બેઠક આજે બપોરે ભાવનગરના મેયર અને રથયાત્રા સમિતિના અધ્યક્ષશ્રી શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં ડેપ્યુટી મેયર કુણાલભાઈ શાહ ,કમિશ્નર યોગેશ નિરગુડે, સભ્ય બાબુભાઇ સોલંકી, હરેશભાઇ પરમાર, મહંમદ ઇકબાલભાઇ પરીયાણી, શ્રીમતિ ડો.પ્રતિજ્ઞાબેન ત્રિવેદી, જયેન્દ્રભાઇ દવે તથા સભ્ય સચિવ અને નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય-મથક) ડી.ડી.ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં.

શહેરમાં શાંતિ, એકતા અને સદભાવના દ્રારા કોમવાદ, જ્ઞાતિવાદ જેવા દૂષણોથી દૂર રહી શહેરમાં યોજાનાર રથયાત્રા શાંતિપૂર્ણ રીતે એખલાસ, સદભાવ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ વચ્ચે યોજાય તે માટેનું મનોમંથન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.

આગામી તા.૦૧/૦૭/૨૦૨૨ના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરા મુજબ શાંતિ અને ભાઇચારાની ભાવનાથી ધર્મમય અને આનંદમય વાતાવરણમાં ઉજવે તે માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ કમીટી શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, જ્ઞાતિઓના સભ્યોની બનેલી છે અને તેઓ શહેરમાં વિશાળ વર્ગ સાથે સંપર્ક ધરાવતા હોય, તેઓ તેમની આસપાસના વિસ્તારોના લોકો કોમી એખલાસની ભાવનાથી આનંદપૂર્વક તહેવારો ઉજવે તેવી સૌને અપીલ કરી છે.

અત્યાર સુધી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં એકતા, કોમી એખલાસ, ભાઇચારો જળવાઇ રહે તેવી સંસ્કારી અને શાંતિપ્રિય ભાવેણાની જનતા છે, ત્યારે ભગવાન જગન્નાથના આશીર્વાદ આપણા સૌ પર બની રહે અને રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેમાં સાથ અને સહકાર આપવા માટે સૌ નગરજનોને એકતા સમિતિના અધ્યક્ષ શ્રીમતિ કિર્તીબેન દાણીધારીયાએ સૌને જય જગન્નાથ સાથે સાથે મળીને આ રથયાત્રાનો ઉત્સવ ઉજવવા માટેની હાકલ કરી છે તેમ ડી.ડી.ચૌધરી, સભ્ય સચિવ અને નાયબ પોલીસ અધિક્ષક, મુખ્‍ય મથક, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment