હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ PGVCL, વર્તુળ કચેરી દ્વારા ગ્રાહકોના કોર્ટ કેસના ઝડપી નિકાલ માટે જે તે લાગુ પડતી વર્તુળ કચેરી ખાતે ૩-ટાયર સેટલમેન્ટ કમિટીની રચના કરવામાં આવી છે, જેની બેઠક દરમાસે મળે તેવું હાલ આયોજન કરેલ છે જે અંતર્ગત તેની પ્રથમ બેઠક બોટાદ વર્તુળ કચેરીમાં કરવામાં આવી હતી. જેમાં કુલ-૭ કેસો અને રૂ.૧.૩૭ લાખનો નિકાલ કરવામાં આવ્યો છે.
સદર આ કેસોના સમાધાન અંતર્ગત ગ્રાહકોને નિયમ મુજબ વ્યાજ માફીનો લાભ આપવામાં આવ્યો છે, તેમજ તેમના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવી કોર્ટ કેસ પરત ખેંચવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેથી જે ગ્રાહકોના વીજ બિલનાં નાણા ન ભરવાને લીધે વીજ જોડાણ કપાઈ ગયું હોય અને કોર્ટમાં દાવો દાખલ કરેલ હોય તો કોર્ટ કાર્યવાહી તથા લીગલ ખર્ચ તેમજ વિલંબિત ચુકવણી ચાર્જમાં નિયમ મુજબ ફાયદો મેળવવા માંગતા હોય તેઓએ પી.જી.વી.સી.એલ.,દ્વારા બનાવવામાં આવેલ ૩-ટાયર સેટલમેન્ટ કમિટીનો લાભ લેવા અને જે તે લાગુ પડતી પેટા વિભાગીય કચેરીનો સંપર્ક સાધવો. જેથી આવા પડતર કેસોનો સમયસર નિકાલ લાવી શકાય. તેમ, PGVCL,વર્તુળ કચેરી, બોટાદના અધિક્ષક ઇજનેર તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ