ભાવનગર જિલ્લા કક્ષાની ૮ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સીદસર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર. સી. મકવાણાએ આજે વહેલી સવારે સીદસર ખાતે આવેલાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાના ૮ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી જણાવ્યું કે, યોગ એ ધર્મ, શ્રદ્ધા અને આસ્થા નથી, પરંતુ સરળ વિજ્ઞાન છે અને જીવન જીવવાની કળા છે. નિયમિત યોગ થી શરીરની બધી ઇન્દ્રીઓને નિયંત્રિત કરી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યોગ એ જીવન જીવવાની પદ્ધતિ છે. યોગમાં એટલી તાકાત છે કે જો સવારે દસ મિનિટ યોગ કરવામાં આવે તો આખો દિવસ કાર્ય કરવાની સ્ફૂર્તિ રહે છે. આ તકે ઉપસ્થિત સાંસદ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, નિયમિત યોગ કરવાથી શરીરમાં રોગ થવાની શક્યતા ઘટી જાય છે. કોરોના રૂપી મહામારીમાં આપણે યોગની વધુ નજીક આવ્યાં છીએ. યોગ એ ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. યોગ બે કે ત્રણ આસનો પૂરતું સીમિત નથી પરંતુ એક અમૂલ્ય વારસો છે. શારીરિકથી શરૂ કરી સમાધિ સુધી યોગ લઈ જાય છે.

આ યોગ દિવસની ઉજવણીમાં અલગ- અલગ શાળા- કોલેજોના અંદાજે ૩ હજાર જેટલાં બાળકો જોડાયાં હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકનાં મૈસુરથી દેશવાસીઓને સંબોધન કરી યોગ દિવસની શુભકામનાઓ પાઠવી યોગનું મહત્વ સમજાવ્યું હતું. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના સાબરમતી રિવફ્રન્ટ ખાતે ઉજવવામાં આવ્યો હતો. અને જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં સૌએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.


ભાવનગર ખાતે યુનિવર્સિટી ગ્રાઉન્ડ, નિલમબાગ પેલેસ, હાથબ બંગલો, વેળાવદર કાળિયાર અભયારણ્ય ખાતે પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી લક્ષ્યમાં રાખીને ૭૫-૭૫ લોકો સાથે યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ, નાયબ કલેક્ટર એચ. એમ. ઝણકાટ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. વી. મૈયાણી, જિલ્લા પંચાયતના આયુર્વેદ અધિકારી શીતલબેન સોલંકી, ગુજરાત રાજ્ય યોગ પ્રચારક અને યોગ નિર્દેશક જીગ્નેશભાઈ આર્ય, યોગ કોચ સુનિલભાઈ પટેલ તેમજ યોગ સહયોગી શીતલબેન સાંકળિયા સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં ભાવનગરની યોગપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment