જામનગર જિલ્લાના ૧.૮૩ લાખ બાળકો માટે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો ધુતારપરથી પ્રારંભ

જામનગર તા.૨૭ નવેમ્બર, જામનગર  જિલ્લાના આશરે ૧ લાખ ૮૩૦૦૦ બાળકોના આરોગ્યની તપાસ અર્થે જિલ્લાના ધુતારપર ગામથી શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણીના હસ્તે અને આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી રેખાબેન ગજેરાની પ્રેરક ઉપસ્થિતિમાં સરસ્વતી વિદ્યા મંદિરથી શુભારંભ કરવામાં આવ્યો હતો.

 જિલ્લાની તમામ ૯૧૯ આંગણવાડી, ૮૦૮ પ્રાથમિક શાળા, ૧૮૬ માધ્યમિક શાળા, અન્ય ૯ જેટલી શાળાઓ સહિત કુલ ૧૯૨૨ જેટલી સંસ્થાઓમાં નવજાત શિશુથી ૧૮ વર્ષના તમામ બાળકોને તપાસમાં આવરી લેવામાં આવશે. બાળકોમાં રહેલી ખામી, રોગ, વિકાસલક્ષી વિલંબ કે જન્મજાત ખોડખાંપણ જોવા મળે તો બાળકોને ત્રિસ્તરીય સેવાઓ દ્વારા તપાસીને સઘન સારવાર માટે સુપર સ્પેશ્યાલીટી સુધીની સેવાઓ આ કાર્યક્રમના માધ્યમ થકી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 આ તકે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડોડીયાએ સ્વચ્છતા થી સ્વસ્થતાનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એ. જી. બથવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર શાળા પુરતો સિમિત ન રહેતા સમગ્ર ગામ તથા જિલ્લાના વાલીઓ પણ સાપ્તાહિક કાર્યક્રમમાં ભાગ લે, બાળકોને પ્રોત્સાહિત કરે અને તમામ સંલગ્ન વિભાગો જેવા કે આરોગ્ય, શિક્ષણ,બાળ વિકાસ, પંચાયત, વન અને પાણી પુરવઠા વગેરે સક્રિય ભાગ લઇ વધુમાં વધુ બાળકોને આ કાર્યક્રમનો લાભ મળે તે સુનિશ્ચિત કરી અસરકારક કામગીરી કરે તેવો અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લાની સપ્તધારા ટીમ દ્વારા શાળા આરોગ્યની થીમ પર નાટક રજૂ કરવામાં આવેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. વધુમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી તથા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી રેખાબેન ગજેરા દ્વારા જિલ્લાના તમામ આગેવાનો, વાલીઓ તથા જાહેર જનતાને આ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવેલ અને કાર્યક્રમમાં હાજર રહેલ તમામ અધિકારીઓ, કર્મચારીઓ શિક્ષકો, ગ્રામજનો તથા બાળકોનો કાર્યક્રમમાં સહકાર બદલ આભાર માનવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment