હિન્દ ન્યુઝ, ભાવનગર
સ્વાતંત્ર સેનાની તથા જાણીતા ચિંતક શ્રી મૂળશંકર મો. ભટ્ટની સ્મૃતિમાં આગામી તા.૧૭ એપ્રિલે શિશુવિહારના પ્રાંગણમાં જાણીતા હિન્દી સાહિત્યકાર અને પત્રકાર શ્રી નાસીરા શર્મા સ્મૃતિ વ્યાખ્યાન આપશે. આ ઉપરાંત જાણીતા ગાંધીજન રમેશ સંઘવી પણ તેમનું વક્તવ્ય આપશે. વિશ્વ ગ્રામ તથા સમન્વય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાતી સ્મૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત ગાંધીવાદી વિચારક શ્રી નાસીરા શર્મા “ભારતીય સંસ્કૃતિ અને સમન્વયી સૌરભ” વિષે પોતાનાં વિચારો રજૂ કરશે.
હનુમાન જયંતીએ ચિત્રકૂટ ધામમાં સદભાવના એવોર્ડથી સન્માનિતશ્રી નાસીરાબેન રવિવારે સવારે ૧૦:૦૦ વાગ્યે શહેરના જાગૃત શિક્ષકો તેમજ ભાવનગરના પ્રબુધ્ધ નાગરિકોને પોતાના પત્રકારત્વના વિશાળ અનુભવને જોઈને દેશના વિકાસ માટે અનિવાર્ય એવા સાંપ્રદાયિક સૌહાર્દ વિષે મનનીય વિચારો રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૦૨ માં શરૂ થયેલ આ સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં શ્રી હરિકૃષ્ણ પાઠકના વક્તવ્યથી શરૂઆત થઈ હતી. ત્યારબાદ ગુણવંત શાહ, મનસુખ સલ્લા, વિદ્યુત જોશી, પ્રકાશભાઈ ન.શાહ, ધ્રુવ ભટ્ટ, જય વસાવડા, રાજેન્દ્ર શુક્લ, હરીશ મીનાશ્રુ, રઘુવીર ચૌધરી અને અને છેલ્લે ગત વર્ષે વિષ્ણુ પંડ્યા તેમના વક્તવ્ય આપી ચૂક્યાં છે. આ અવસરે જાણીતી સમાજસેવી જોડી સંજય- તુલા અને શીશુવિહાર સંસ્થાના ડો.નાનકભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેશે.
વર્ષ-૨૦૦૨ થી પ્રારંભ થયેલ શ્રી મૂળશંકરભાઈ મો. ભટ્ટ શિક્ષણ વ્યાખ્યાન માળાના સતત ૨૦ માં વર્ષે યોજાઇ રહેલ આ કાર્યક્રમમાં પધારવા તથા લોકશાહી પ્રક્રિયાને મજબૂત કરવાના પ્રયત્નને વધુ વ્યાપક બનાવવા વિક્રમભાઈ ભટ્ટ પરિવાર તરફથી ભાવનગરના નગરજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી